SPORTS : ઈંગ્લેન્ડનું ધમાકેદાર પ્રદર્શન, નોર્વેને હરાવી સેમિ ફાઈનલમાં એન્ટ્રી, જીતનો હીરો જૂડ બેલિંગહેમ બે ગોલ કર્યા

0
28
meetarticle

ઈંગ્લેન્ડે ફિફા વર્લ્ડ કપ 2026ની ક્વાર્ટર ફાઇનલમાં નોર્વેને એક્સ્ટ્રા ટાઈમમાં 2-1થી હરાવીને સેમિ ફાઈનલમાં એન્ટ્રી મારી લીધી છે. અસહ્ય ગરમી વચ્ચે રમાયેલા આ મુકાબલામાં જૂડ બેલિંગહેમ ફરી એકવાર ઈંગ્લેન્ડનો હીરો સાબિત થયો. ફ્લોરિડાના હાર્ડ રૉક સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ દરમિયાન તાપમાન લગભગ 90 ડિગ્રી ફેરનહીટ (લગભગ 32 ડિગ્રી સેલ્સિયસ) હતું, જ્યારે હીટ ઈન્ડેક્સ 108 ડિગ્રી ફેરનહીટ સુધી પહોંચી ગયો હતો. આ ખરાબ હવામાનની અસર બંને ટીમોની રમત પર સ્પષ્ટપણે જોવા મળી હતી. પ્રથમ હાફમાં બંને ટીમોએ ગોલ કરવાની કેટલીક તકો સર્જી હતી, પરંતુ રમતની ગતિ સામાન્ય કરતાં ધીમી રહી હતી.

ઈંગ્લેન્ડે મેચની શરૂઆતમાં બોલ પર વધુ નિયંત્રણ રાખ્યું હતું. 29મી મિનિટે હેરી કેનને ફ્રી-કિકની શાનદાર તક મળી હતી, પરંતુ તેનો શૉટ ક્રોસબારની ઉપરથી નીકળી ગયો હતો. 35મી મિનિટે નોર્વેના સ્ટાર સ્ટ્રાઈકર એર્લિંગ હાલેન્ડના હેડરે દર્શકોમાં રોમાંચ ભરી દીધો હતો, જોકે તે ગોલ કરવામાં ચૂકી ગયો હતો. તેના બરાબર એક મિનિટ પછી એન્ડ્રિયાસ શ્જેલડેરપે શાનદાર લેફ્ટ ફૂટ શૉટ ફટકારીને ઈંગ્લેન્ડના ગોલકીપર જોર્ડન પિકફોર્ડને થાપ આપી નોર્વેને 1-0ની લીડ અપાવી દીધી.

રિવ્યુમાં નોર્વેનો બીજો ગોલ રદ જાહેર

જોકે ઈંગ્લેન્ડે હાફ ટાઈમના ઠીક પહેલાં વાપસી કરી. રાઉન્ડ ઓફ-16માં મેક્સિકો સામે ટીમને જીત અપાવનારા જૂડ બેલિંગહેમે વધુ એક શાનદાર ગોલ કરીને નોર્વે સામે ઈંગ્લેન્ડનો સ્કોર 1-1ની બરાબરી પર લાવી દીધો હતો. બીજા હાફની શરૂઆતમાં નોર્વેએ ફરી એકવાર લીડ મેળવી લીધી હતી. કૉર્નર કિક બાદ ટોર્બજોર્ન હેગેમે બોલને ગોલપોસ્ટમાં ધકેલી દીધો હતો, પરંતુ વીડિયો આસિસ્ટન્ટ રેફરી (VAR)ના રિવ્યુમાં સામે આવ્યું કે કોર્નર મળતા પહેલા એર્લિંગ હાલેન્ડે ઈંગ્લેન્ડના એક ખેલાડીને ધક્કો માર્યો હતો. જેના કારણે આ ગોલ રદ કરી દેવામાં આવ્યો.

એક્સ્ટ્રા ટાઈમમાં બેલિંગહેમે ઈંગ્લેન્ડને અપાવી જીત

નિર્ધારિત 90 મિનિટના અંતે બંને ટીમોનો સ્કોર 1-1ની બરાબરી પર રહ્યો હતો અને મુકાબલો એક્સ્ટ્રા ટાઈમમાં પહોંચી ગયો. એક્સ્ટ્રા ટાઈમના પ્રથમ હાફની ચોથી મિનિટે જૂડ બેલિંગહેમે ઈંગ્લેન્ડને નિર્ણાયક લીડ અપાવી દીધી હતી. તેનો પહેલો લોંગ-રેન્જ શૉટ નોર્વેના ગોલકીપરે રોકી લીધો હતો, પરંતુ બોલ તેના હાથમાંથી ઉછળીને સામે આવી ગયો. બેલિંગહેમે ચપળતા દાખવીને રિબાઉન્ડ પર ગોલ કરી દીધો. આ ટૂર્નામેન્ટમાં બેલિંગહેમનો આ છઠ્ઠો ગોલ હતો અને આ જ ગોલ ઈંગ્લેન્ડની જીત માટે નિર્ણાયક સાબિત થયો હતો. ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં ઈંગ્લેન્ડ અને નોર્વે વચ્ચેનો આ પ્રથમ મુકાબલો હતો. બીજી તરફ નોર્વેએ પોતાના ઈતિહાસમાં પહેલીવાર વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલ સુધીની સફર ખેડી, પરંતુ સેમિ ફાઈનલમાં પહોંચવાનું તેનું સપનું અધૂરું રહી ગયું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here