દુબઈમાં મહિલા એશિયા કપ 2026ના 9મા મુકાબલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહત્વપૂર્ણ મેચ રમાવાની છે. આ હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતીય ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાની નજર રોહિત શર્માના એક ખાસ રેકોર્ડને તોડવા પર રહેશે. મંધાનાએ હોંગકોંગ સામેની છેલ્લી મેચમાં 124 રનની ધમાકેદાર શતકીય ઇનિંગ્સ રમીને અનેક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. હવે પાકિસ્તાન સામેની મેચમાં તેના બેટમાંથી વધુ એક મોટી ઇનિંગ્સ જોવા મળી શકે છે.
રોહિત શર્માના 37 વખત 50+ સ્કોરના રેકોર્ડની બરાબરી
T20I ક્રિકેટમાં સૌથી વધુ 50 પ્લસ સ્કોર બનાવનાર ભારતીય બેટરોની વાત કરીએ તો સ્મૃતિ મંધાના હાલમાં રોહિત શર્માની બરાબરી પર છે. હોંગકોંગ સામે સદી ફટકારીને મંધાનાએ પોતાના T20I કરિયરમાં 37મી વખત 50 કે તેથી વધુનો સ્કોર બનાવ્યો હતો. આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા રોહિત શર્માએ પણ પોતાના કરિયરમાં 37 વખત (32 અડધી સદી અને 5 સદી) આ સિદ્ધિ મેળવી છે. જો મંધાના આજે પાકિસ્તાન સામે વધુ એક અડધી સદી ફટકારી દેશે, તો તે રોહિત શર્માને પાછળ છોડી દેશે. મંધાનાના નામે અત્યાર સુધી આ ફોર્મેટમાં 35 અડધી સદી અને 2 સદી નોંધાયેલી છે.

કિંગ કોહલી 39 ફિફ્ટી પ્લસ સ્કોર સાથે પ્રથમ સ્થાને
આ ખાસ યાદીમાં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 39 વખત 50 પ્લસ સ્કોર સાથે પ્રથમ સ્થાને છે. વિરાટે પોતાના T20I કરિયરમાં 1 સદી અને 38 અડધી સદી ફટકારી છે. જો મંધાના આજે અડધી સદી બનાવશે, તો તે વિરાટ કોહલીના આ રેકોર્ડથી માત્ર એક જ ડગલું દૂર રહી જશે. આ યાદીમાં અન્ય ભારતીય ખેલાડીઓ પણ સામેલ છે, જેમાં સૂર્યકુમાર યાદવ 29 વખત, કે. એલ. રાહુલ 24 વખત તથા મહિલા ક્રિકેટમાંથી હરમનેપ્રીત કૌર અને શેફાલી વર્મા 19-19 વખત 50 પ્લસ સ્કોર બનાવી ચૂકી છે.
પાકિસ્તાન સામે સ્મૃતિ મંધાનાનો શાનદાર રેકોર્ડ
ચિર-પ્રતિસ્પર્ધી પાકિસ્તાન સામે સ્મૃતિ મંધાનાનો રેકોર્ડ અત્યંત ઉત્કૃષ્ટ રહ્યો છે. જર્સી નંબર 18 ધરાવતી મંધાનાને વિરાટ કોહલીની જેમ જ પાકિસ્તાન સામે રમીને મોટા રન બનાવવાનું ખૂબ પસંદ છે. તેણે પાકિસ્તાન સામે અત્યાર સુધી રમેલી 11 T20 મેચોમાં 307 રન બનાવ્યા છે, જેમાં 2 અડધી સદી સામેલ છે. ચાલુ વર્ષે જ રમાયેલી મેચમાં તેણે પાકિસ્તાન સામે 68 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી, જે આ ટીમ સામે તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. આજે પાકિસ્તાન સામેની મેચમાં ચાહકોને તેના બેટમાંથી વધુ એક શ્રેષ્ઠ અને યાદગાર ઇનિંગ્સની આશા રહેશે.

