અમદાવાદમાં ફરી વાર અશાંતધારાનો મુદ્દો હવામાં આવ્યો છે. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે મુખ્યમંત્રીને પત્ર લખીને અશાંતધારાનો પ્લાન પાસ કર્યા વિના બાંધકામ કરવામાં આવ્યા હોવાની ફરિયાદ કરી છે. તેમણે કલેક્ટર અને કમિશ્નરને બાંધકામ તોડવા માટે પણ રજૂઆત કરી છે.
અમિત શાહે અશાંત ધારાનો મુદ્દો ઉઠાવ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પણ પ્રતિક્રિયા આપી હતી.
પાલડીને જમાલપુર કે જુહાપુરા બનાવવાનું પ્લાનિંગ છે: અમિત શાહ
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના પાલડીમાં અશાંતધારા મુદ્દે ભાજપના એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. આ પત્ર દ્વારા તેમણે જણાવ્યું હતું કે, પાલડીને જમાલપુર કે જુહાપુરા બનાવવાનું પ્લાનિંગ છે. અશાંતધારાનો પ્લાન પાસ કર્યા વિના બાંધકામની ફરિયાદ તેમણે આ પત્ર દ્વારા મુખ્યમંત્રીને કરી હતી. તેમણે ક્હયું હતું કે, એ સમાજના કેટલાક પૈસાદાર લોકો દ્વારા મકાનો ખરીદવામાં આવે છે. સિદ્ધગિરી ફલેટના 104 મકાનો ખાલી કરાવાયા છે. આ મુદ્દે કલેક્ટર અને કમિશ્નરને રજૂઆત કરી છે.
જો ગુજરાતમાં શાંતિ છે તો આ પ્રકારનો ભેદભાવ કેમ: ઈમરાન ખેડાવાલા
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આશ્રમ રોડનો આખો પટ્ટો કબજે કરવાની કોશિશ છે જે અમે નહીં થવા દઈએ. મે અંદર થઈ ગયેલા ગેરકાયદે બાંધકામ હટાવવાની વાત કરી છે. ભાજપના ધારાસભ્ય અમિત શાહે અશાંતધારાનો મુદ્દો ઉઠાવ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અહીં રહેતા લોકો કોઈ પાકિસ્તાની કે બાંગ્લાદેશી નાગરિકો નથી. આ ભારત દેશના જ નાગરિકો છે. જો ગુજરાતમાં શાંતિ છે તો આ પ્રકારનો ભેદભાવ કેમ કરવામાં આવે છે. કેમ નવા નવા વિસ્તારોમાં અશાંતધારો લગાવાય છે.માત્ર હિંદુ મુસ્લિમની રાજનીતિ કરવામાંથી બહાર આવવું જોઈએ.


