TOP NEWS : છત્તીસગઢમાં મોટી દુર્ઘટના : વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતાં 10ના મોત, 40થી વધુ શ્રમિકો દાઝ્યા

0
233
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) છત્તીસગઢમાં વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતાં ભયાનક વિસ્ફોટ થયો છે. રિપોર્ટ મુજબ, આ ઘટનામાં 10થી વધુ શ્રમિકોના મોત થયા હોવાની અને 30થી 40 શ્રમિકો દાઝ્યા હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે મોતનો આંકડો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

બોઇલર ફાટ્યા બાદ ભયાનક વિસ્ફોટ થયો

રિપોર્ટ મુજબ, રાજ્યના સક્તિ જિલ્લામાં સિંઘીતરાઈ ગામમાં વેદાંતાના પાવર પ્લાન્ટમાં આજે અનેક શ્રમિકો કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક બોઇલર ફાટ્યા બાદ જોરદાર ધડાકો થયો હતો. જેના કારણે અહીં આખા વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ છે.

મોતનો આંકડો વધવાની આશંકા

ઘટનામાં 10થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 30થી 40 શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હોવાથી મોતનો આંકડો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, દૂર દૂર સુધી તેનો અવાજ સંભળાયા બાદ આસપાસના ગામડાંઓમાં દહેશત ફેલાઈ ગઈ હતી.

અનેક ઈજાગ્રસ્તોની હાલત ગંભીર

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ટીમે તુરંત રાહત અને બચાવ કામગીરી હાથ ધરી ઈજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં પહોંચાડી રહ્યા છે. કેટલાક ઈજાગ્રસ્તોની સ્થિતિ અત્યંત ખરાબ હોવાની માહિતી સામે આવી છે. પ્લાન્ટ મેનેજમેન્ટના અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે. પોલીસે ઘટનાના કારણોની તપાસ કરવાના આદેશ આપી દીધા છે. હાલ કેટલા લોકોના મોત થયા અને કેટલાક લોકોને ઈજા થઈ છે, તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here