વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના કરખડી ગામની સીમમાં આવેલી અમી લાઇફ સાયન્સ કંપનીમાંથી પોણા કરોડ રૂપિયાનું કિંમતી 5% રોડિયમ ઓન કાર્બન (કેટાલિસ્ટ) પદાર્થની ચોરીના કેસમાં વડુ પોલીસે કોન્ટ્રાક્ટ લેબરમાં કામ કરતા નવ કર્મચારીઓની ધરપકડ કરી છે. કંપનીમાં તા.14ના રોજ વહેલી સવારના પ્લાન્ટ નં.6 માં રાખેલા 5% રોડિયમ ઓન કાર્બન પાવડરનું કુલ 20 કિલો વજનનું રૂ.74.22 લાખ કિંમતનું 1 ડ્રમ ગાયબ હોવાનું જણાયું હતું.

કંપનીના સીસીટીવી ફૂટેજ તપાસતાં જાણવા મળ્યું હતું કે કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતો લેબર રાહુલ સુરેશભાઇ રાજપુત, જેની સેવા કંપનીએ એક દિવસ પૂર્વે બંધ કરી હતી, તેને અન્ય સાગરીતો સાથે આ ચોરી કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રાહુલ ઉપરાંત તેની સાથે રહેતા વધુ 7 જેટલા લેબરો પણ ચોરીની ઘટના બાદથી નોકરી પર આવતા બંધ થઈ ગયા હતાં. વડુ પોલીસે તપાસ હાથ ધરી કરખડી પાસેથી મુખ્ય આરોપી રાહુલ સુરેશ રાજપૂત (રહે.કરખડી ગામની સીમમાં આવેલ ફિલોડીન કંપની પાસે આવેલ ગિરીશભાઈ સુર્યકાંતભાઈ પટેલની ઓરડીમાં, મૂળ ઉત્તરપ્રદેશ) અને ગિરીશભાઇની અન્ય ઓરડીઓમાં રહેતા વિપીન રમાપતિ રાજપૂત, અરવિંદ સુરેન્દ્ર રાજપૂત, અજેન્દ્ર રામદાસ રાજપુત, રમાકાન્ત રાકેશકુમાર રાજપૂત, ઉમેશ જેસિંગ રાજપૂત (રહે.લુણા ગામની સીમ, જયેશભાઇ પટેલના મકાનમાં), સંતોષ રામલાલ ચૌધરી (રહે.અંકલેશ્વર, શાંતિનગર), પ્રદિપ નરપતસિંહ રાજપૂત (રહે.લુણા ગામની સીમ, જયેશભાઇ પટેલની ઓરડીમાં) અને દેવેન્દ્ર સુરેન્દ્ર રાજપુત (રહે. પુષ્પક સોસાયટી, ઇસનપુર-વટવા રોડ, અમદાવાદ)ની ધરપકડ કરી હતી.

