વડોદરાના તાંદલજા વિસ્તારમાં છેલ્લા કેટલાય વખતથી માટી ભરેલા ડમ્પરો બેફામ ગતિથી દોડતા ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોએ ચાર જેટલા ડમ્પર રોક્યા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે તમામ ચાલકો નશામાં હતા. અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની એવા સવાલો પણ કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે, તાંદલજા વિસ્તારમાં ફાતિમા હાઈટસ, સ્ટાર રેસીડન્સી જેવા રહેણાક વિસ્તારમાંથી માટી ભરેલા ડમપરો છેલ્લા કેટલાય દિવસથી બેફામ ચાલી રહ્યા છે. જોકે આ અંગે વિસ્તારમાં સ્પીડ બ્રેકર મુકવા પણ પાલિકા તંત્રને અરજી કરી હતી. બે મહિના અગાઉ આ બાબતે ઇન્સ્પેક્શન પણ તંત્ર દ્વારા થવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. આ રહેણાક વિસ્તારમાંથી બાળકો સહિત મહિલાઓ દુકાનોમાં ખરીદી માટે આવન જાવન કરતા હોય છે. જો આવા બેફામ દોડતા ડમ્પરોથી અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની એ અંગે પણ સવાલો ઉઠ્યા હતા. માટી ભરેલા ચાર જેટલા ડમ્પરો સ્થાનિકોએ રોક્યા હતા ત્યારે કથીત જવાબદાર વ્યક્તિ કાળા રંગની સ્કોર્પિયો કારમાં આવ્યા હતા પરંતુ વિસ્તારમાં સ્થાનિકોના ટોળા અને ઉશ્કેરાટ જોઈને આવા જવાબદાર વ્યક્તિઓ પરત રવાના થઈ ગયા હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું.
અગાઉ તંત્ર સમક્ષ અરજી પણ કરવામાં આવી છે જેનો હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી. રાત્રે અગિયારેક વાગ્યા સુમારે માટી ભરેલા ડમ્પરોની રોજિંદી અવરજવર થતી રહે છે. નજીકમાં જો મદરેસા પણ આવેલી છે. આવી રીતે બેફામ સ્પીડે દોડતા ડમ્પર અંગે ચાલકોને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમે આજે જ બદલીમાં આવ્યા છે આગળની અમને કોઈ જાણ નથી તેઓ પણ તેમણે બચાવ કર્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આવા બેફામ દોડતા ડમ્પરોથી કોઈ અકસ્માત સર્જાય તો એ અંગે જવાબદારી કોની એવો પણ પ્રશ્ન ટોળાએ કર્યો હતો.

