તમે જેમ વોશિંગ મશીનમાં કપડાં ધુઓ છો તેમ હવે માણસને પણ વોશિંગ મશીનમાં ધોઇ શકાય તેવું માનવ વોશિંગ મશીન જાપાનની એક કંપનીએ બનાવ્યું છે. કંપનીનો દાવો છે કે આ વોશિંગ મશીન માત્ર શરીરને સાફ કરવાનું જ નહીં પણ મનને તાજગીથી તરબતર પણ કરી દેશે. જેમની પાસે નહાવાનો સમય નથી હોતો તેવા વ્યસ્ત બિઝનેસમેનોની આ હ્યુમન વોશિંગ મશીન પંદર મિનિટમાં જ સાફ સફાઇ કરી આપશે.
ઓસાકા કાંસ્યાઇ એક્સપોમાં આ મશીનને દર્શાવવામાં આવશે. જ્યાં 1000 જણાં તેની ટ્રાયલ લઇ શકશે. રસપ્રદ બાબત એ છે કે દુનિયામાં પહેલું માનવ વોશિંગ મશીન 1970માં જાપાન વર્લ્ડ એક્સપોમાં રજૂ કરવામાં આવ્યું હતું. સાન્યો ઇલેકટ્રિક દ્વારા બનાવવામાં આવેલું આ પ્રથમ માનવ વોશિંગ મશીન બજારમાં પહોચી શક્યું નહોતું.
ઓસાકાની સાયન્સ કંપની દ્વારા બનાવવામાં આવેલું આ નવું માનવ વોશિંગ મશીન પંદર મિનિટની તેની પ્રોસેસમાં માનવના શરીરને સાફ કરી આપશે એટલું જ નહીં પણ માણસને રિલેક્સ પણ કરી દેશે. જે રીતે તમે વોશિંગ મશીનમાં કપડાં ધોવો છો એ જ રીતે નહાવાની તમામ પ્રોસેસ મશીનમાં આપવામાં આવેલાં એક પ્રોગ્રામ અનુસાર પાર પાડવામાં આવે છે.
મશીનનો દેખાવ એક કેપ્સ્યુલ સમાન છે જે એક ટ્રાન્સપરન્ટ કોકપિટ જેવી દેખાય છે. નહાવા માંગતા માણસે આ કોકપિટની અંદર જઇ એક સ્થાન પર બેસી જવાનું રહેશે. એ પછી અડધું મશીન ગરમ પાણીથી ભરી દેવામાં આવે છે. એ પછી મશીન શરૂ થાય છે. માઇક્રો એર બબલ્સ ધરાવતાં વોટર જેટ્સ શરીરની ત્વચા પરથી તમામ ગંદકી હટાવી દે છે. આ મશીનની ખાસિયત એ છે કે તેની સીટમાં લગાવવામાં આવેલાં ઇલેકટ્રોડ્સ શરીરના બાયોલોજિકલ સિગ્નલ પારખી પાણીના તાપમાનથી માંડી પ્રેશરને પણ આપોઆપ ગોઠવી આપે છે.
તેમાં તમારી ઇચ્છા અનુસાર તાપમાન અને પ્રેશર વધારવા કે ઘટાડવાની પણ સુવિધા અપાશે. આ માનવ વોશિંગમશીન એઆઇ સેન્સર દ્વારા માણસના મનની વાત પામી તેની ઇચ્છા અનુસાર તેને નયનરમ્ય દૃશ્યો પણ દર્શાવશે અને તેનું મનપસંદ સંગીત પણ વગાડશે. આમ, હવે ન નહાવાના કોઇ બહાનાં ચાલશે નહીં.
ઓસાકાની સાયન્સ કંપનીના ચેરમેન યાસુઆકી ઓયામાએ જણાવ્યું હતું કે આ મશીનને શરીરની સ્વચ્છતા જાળવવા ઉપરાંત વેલનેસનો અનુભવ કરાવવાના આશયથી બનાવવામાં આવ્યું છે. આ મશીન ભવિષ્યમાં રિટાયરમેન્ટ હોમ, હોસ્પિટલ્સ અને જ્યાં અતિવ્યસ્ત પ્રોફેશનલ્સ કામ કરતાં હોય તેવી કંપનીઓમાં તહેનાત કરવાની કંપનીની યોજના છે. હાલ ઘરમાં વાપરી શકાય તેવા માનવ વોશિંગ મશીન પર કામ ચાલી રહ્યું છે.


