પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અંગે એક આઘાતજનક વાત બહાર આવી છે કે તેઓની કદાચ જેલમાં જ હત્યા કરવામાં આવી છે. ઇમરાન ખાનની ત્રણે બહેનો છેલ્લા ૨૧ દિવસથી ઇમરાન ખાનને મળવા માગે છે. પરંતુ તેઓને જેલમાં જવા દેવામાં આવ્યાં નથી. તેઓએ આ અંગે પંજાબના ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ સમક્ષ ફરિયાદ પણ કરી હતી. પરંતુ તેણે કશો સ્પષ્ટ જવાબ આપ્યો નથી.

ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાનને પાકિસ્તાનની કીલ્લેબંધ કુખ્યાત જેલ અદિયાલા જેલમાં બંદીવાન રખાયા છે. તેઓને તેમનાં બહેનોને પણ ત્રણ ત્રણ સપ્તાહ સુધી મળવા જવા ન દેતાં તેઓની જેલમાં જ હત્યા કરાઈ હશે તેવી મજબૂત શંકા ઊભી થતાં તે બહેનોની સાથે ખાનના હજ્જારો સમર્થકો જેલની બહાર એકત્રિત થયા હતા અને સૂત્રોચ્ચારો કરવા લાગ્યા હતા. તેઓનું નેતૃત્વ ખાનનાં ત્રણે બહેનોએ લીધું હતું.
બીજી તરફ ઇમરાન ખાનની સલામતી અને સ્વાસ્થ્ય વિષે સમગ્ર દેશમાં ભાત-ભાતની અફવાઓ ફેલાઈ રહી છે. સહજ છે કે આથી તેઓનાં બહેનો અને તેઓએ સ્થાપેલી પાકિસ્તાન તહેરિક એ ઇન્સાફ (પીટીઆઈ) પાર્ટીના કાર્યકરો અને એક સમયના આ મહાન ક્રિકેટર અંગે ચિંતિત બન્યા છે.
આ જ ૨૬ નવેમ્બર ૨૦૨૫નો દિવસ પી.ટી.આઈ.ના કાર્યકરોએ કાળો દિવસ મનાવવા જનતાને એલાન આપ્યું છે. ૨૦૨૪માં આ દિવસે થયેલાં હિંસક પ્રદર્શનોની પહેલી વર્ષગાંઠ છે. તે દિવસે પણ ઇમરાન ખાનની મુક્તિ અને ન્યાય માટે ભારે વિરોધ પ્રદર્શનો થયાં હતાં. પીટીઆઈએ સમગ્ર દેશમાં જિલ્લા સ્તરે, દેખાવો યોજ્યા હતા. રેલીઓ કાઢી હતી, સભાઓ યોજી હતી. તેમણે સરકારી અન્યાય રાજકીય ઉત્પીડન અને માનવ-અધિકારોનાં હનન સામે અવાજ ઊઠાવ્યો હતો. બસ, તે જ ઘટનાઓનું આજના દિવસે પણ પુનરાવર્તન થઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાન ૨૦૨૩થી આ કુખ્યાત રાવલપીંડીની અદિયાલા જેલમાં બંદીવાન રખાયા છે. તેઓ ઉપર એકાઉન્ટીબીલીટી બ્યુરોએ આરોપ મુક્યો હતો કે ખાને પોતાનાં પત્ની બુશરા બીબીની સાથે મળીને અલ કાદિર ટ્રસ્ટ દ્વારા ભારે ભ્રષ્ટાચાર કર્યો હતો. તે ટ્રસ્ટનાં નામે, રીયલ એસ્ટેટ ટાયફૂન મલિક રિયાઝ હુસૈન પાસેથી ૬૦ એકર જમીન દાનમાં મેળવી હતી. તેથી પાકિસ્તાનને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. તેઓ ઉપર કેસ ચલાવ્યો હતો. જેમાં ઇમરાન ખાનને ૧૪ વર્ષની અને તેઓનાં પત્ની બુશરા બીબીને ૭ વર્ષની સજા કરાઈ હતી. જો કે બુશરા બીબી ત્યારે ઇંગ્લેન્ડમાં હતાં હજી પણ ત્યાં છે. તેથી તેઓને જેલમાં તો પૂરી શકાય જ નહીં.
પીટીઆઈ કાર્યકરો અને ઇમરાનનાં બહેનોને તેવી પૂરી આશંકા છે કે જેમ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને જેલમાં જ મારી નાખી તેમના મૃતદેહને જ ફાંસીએ લટકાવી દીધો હતો; તેવું કદાચ ઇમરાન ખાન માટે ન બને.
છેલ્લે મળતા સમાચારો જણાવે છે કે ઇમરાનખાનનાં ધરણાં પર જેલ સામે બેઠેલાં બહેનો ઉપર બેસુમાર લાઠીચાર્જ કરી તેઓને દૂર કરવા પ્રયાસ કરાયો.

