અમેરિકા અને કેનેડા વચ્ચે વેપાર વિવાદ વધુ વણસ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારવાના નિર્ણય સામે કેનેડાએ મંગળવારે જવાબી કાર્યવાહી કરી છે. કેનેડાએ આશરે 20 અબજ યુએસ ડૉલરની કિંમતના અમેરિકન સામાન પર નવો ટેરિફ લાદી દીધો છે. આ યાદીમાં સ્ટીલ, ડેરી પ્રોડક્ટ્સ, હોમ એપ્લાયન્સિસ અને ખેતીના સાધનો સામેલ છે. બંને દેશો વચ્ચેની વેપાર વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ અમેરિકાએ કેનેડાના સામાન પર 50 ટકા સુધી ટેરિફ લાદ્યો હતો, જેના જવાબમાં કેનેડાએ આ કડક પગલું ભર્યું છે.
રોજિંદા જીવનની ચીજવસ્તુઓ પણ ટેરિફ હેઠળ
આ ટ્રેડ વૉર માત્ર મોટા ઉદ્યોગો સુધી સીમિત નથી. કેનેડાએ લાદેલા નવા ટેરિફમાં સીફૂડ, ચીઝ, કપડાં, કોસ્મેટિક્સ અને ટોયલેટ પેપર જેવી રોજિંદા વપરાશની ચીજો પણ સામેલ છે. કેટલીક વસ્તુઓ પર ટેરિફનો દર વધારીને 50 ટકા સુધી કરી દેવામાં આવ્યો છે. વિશ્વના બે સૌથી મોટા વેપારી ભાગીદારો વચ્ચેના આ તણાવને કારણે વૈશ્વિક બજાર પર પણ તેની અસર થવાની આશંકા છે.

અમેરિકા કેનેડાના ઉદ્યોગોને નુકસાન પહોંચાડવા માંગે છે: માર્ક કાર્ની
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ અમેરિકા પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું છે કે, અમેરિકા કેનેડાને પોતાના નિયંત્રણ હેઠળ લાવવા માંગે છે. નિષ્ફળ રહેલી બેઠકો દરમિયાન અમેરિકાની શરતો અને માંગણીઓ પરથી સ્પષ્ટ જણાય છે કે તે કેનેડાના મુખ્ય ઉદ્યોગોને નબળા પાડવા કે બરબાદ કરવા ઈચ્છે છે.
ડોનાલ્ડ ટ્રમ્પની કેનેડાને કડક ચેતવણી
બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે આ વિવાદ વધારતાં કેનેડાના નેતાઓને સીધા રહેવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો કેનેડા નહીં માને તો હાલના ટેરિફ કરતાં પણ વધુ ખરાબ પરિણામો ભોગવવા પડશે. ટ્રમ્પે કેનેડાથી આયાત થતાં વાહનો, ઓટો પાર્ટ્સ અને સ્ટીલ પર નવો 50 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી છે. આ ઉપરાંત, ઓન્ટારિયોના પ્રીમિયર ડગ ફોર્ડ સાથેના વિવાદ વચ્ચે ટ્રમ્પે એવું પણ નિવેદન આપ્યું કે અમેરિકા ‘લેક ઓન્ટારિયો’નું નામ બદલીને ‘લેક અમેરિકા’ કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.
8 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા ટેરિફ દર
કેનેડા દ્વારા જાહેર કરાયેલા આ નવા ટેરિફ 8 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. જેમાં ઉત્પાદનો અનુસાર 15 ટકા, 25 ટકા અને 50 ટકાના દર નક્કી કરવામાં આવ્યા છે. કેનેડા કુલ 700 થી વધુ અમેરિકન ઉત્પાદનો પર અમેરિકાના ટેરિફ જેટલો જ વળતો ટેરિફ વસૂલશે. જેમાં પલ્પ, પેપર અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ સામેલ છે. ઘણા ઉત્પાદનો પર ટેરિફ 25 ટકાથી વધીને સીધો 50 ટકા થઈ જશે, જેનો સૌથી મોટો ફટકો સ્ટીલ અને એલ્યુમિનિયમ સેક્ટરને પડશે.

