ટ્રમ્પ તંત્રએ ભારતીયોને જાણે બધી જ રીતે ફટકો મારવાનો નિર્ણય કરી લીધો લાગે છે. હવે ટ્રમ્પ તંત્રએ ઇબી-૫ ગ્રીન કાર્ડ ફીમાં જંગી વધારો કર્યો છે. આ વધારો લગભગ ૧૧૪ ટકા છે. ઇબી-૫ ઇન્વેસ્ટર પ્રોગ્રામ ભારતીય ઉદ્યોગ સાહસિકોના કુટુંબો માટે ગ્રીન કાર્ડ મેળવવાના સૌથી વિશ્વસનીય માર્ગોમાં એક છે. આના પગલે અમેરિકામાં ધંધાકીય માર્ગે વિઝા મેળવનારાને મોટો ઝાટકો લાગ્યો છે.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝ (યુએસસીઆઈએસ)એ મંગળવારે ઇબી-૫ વિઝાની ફી બમણા કરતાં પણ વધુ વધારી હતી. આ નવો વધારો ૩૦ નવેમ્બરથી અમલમાં આવશે. યુએસ ઇબી-ફાઇવ ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર પ્રોગ્રામ વિદેશી રોકાણકારોને અને તેમના કુટુંબને પરમેનન્ટ રેસિડેન્સી પ્રદાન કરે છે. આ નિયમ હેઠળ વિદેશી રોકાણકારે કમસેકમ દસ અમેરિકન વર્કર માટે ફુલટાઇમ જોબ્સનું સર્જન કરવું પડે છે.

સ્વતંત્ર રોકાણકારો માટે ફોર્મ આઇ-૫૨૫ની ફાઇલિંગ ફી ૩,૬૭૫ ડોલરથી બમણી કરીને ૭,૬૧૫ ડોલર કરવામાં આવી છે. જ્યારે પ્રારંભિક ફોર્મ આઇ-૫૨૫ ઇ પીટીશનની ફી ૩,૬૭૫ ડોલરથી વધારીને ૭,૮૫૦ ડોલર કરવામાં આવી છે. રોકાણકારો આ ફી માન્યતા પ્રાપ્ત પ્રાદેશિક કેન્દ્રો પર ભાગ લેવા માટે આ ફી ભરે છે. આ ઉપરાંત આ બંને ફોર્મમાં આ સિવાય ૭૫ ડોલરની ટેકનોલોજી ફી લાગશે. આ ઉપરાંત ફોર્મ આઇ-૮૨૯ હેઠળ અરજી ફાઇલ કરનારા રોકાણકારો તેમનું પરમેનન્ટ રેસિડેન્ટ સ્ટેટસ નાદૂબ કરવા માંગતા હોય તો તેની ફી ૩,૭૫૦ ડોલરથી વધારીને ૫,૦૦૦ ડોલર કરવામાં આવી છે. આ ઉપરાંત રિજનલ સેન્ટરો પરના ચાર્જિસમાં પણ નોંધપાત્ર વધારો થશે. રિજનલ સેન્ટર ડેઝિગ્નેશન મેળવવા માટે પ્રારંભિક ફોર્મ આઇ-૯૫૬એફ એપ્લિકેશનની ફી ૧૭,૭૯૫ ડોલરથી વધારીને ૪૨,૬૭૫ ડોલર કરવામાં આવી છે. આ સિવાય આઇ-૯૫૬જીની વાર્ષિક ફી ૩,૦૩૫ ડોલરથી ઘટાડીને ૨,૧૬૫ ડોલર કરવામાં આવી છે.આ ઉપરાંત જૂનુ આઇ-૫૨૫ ફોર્મ સુધારવા માંગનારા રોકાણકારોએ આઇ-૫૨૭ ફોર્મ ભરવું પડશે. તેની ફી પણ વધારીને ૧૦,૩૩૦ ડોલર કરવામાં આવશે.
નવી ફીની જાહેરાત કરતાં યુએસસીઆઇએસે જણાવ્યું હતું કે એજન્સીઓ મુખ્યત્વે ફી અને ચાર્જિસ પર જ નભે છે, ટેક્સ પર નભતી નથી એટલે આ ભી વધારો કરવામાં આવ્યો છે. ભારતમાંથી છેલ્લા દાયકા દરમિયાન ગ્રીન કાર્ડ માટે ઇબી-૫ વિઝા કેટેગરીની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે.
તેના લીધે મોટાપાયા પર બેકલોગ સર્જાયો છે. હવે અહીં રોકાણકાર ગ્રીન કાર્ડ માટે કેટલો સમય રાહ જોઈ શકે તેમ મહત્ત્વનું છે.
યુએસ કોંગ્રેસે ૧૯૯૦માં ઇબી-૫ પ્રોગ્રામ શરૂ કર્યુ હતુ.
તેમણે રોકાણ અને રોજગાર સર્જનને વેગ આપવા આ કાર્યક્રમ શરુ કર્યો હતો. આ માટે અરજદારે કમસેકમ ૧૦ લાખ ડોલરથી વધુ રકમનું કે ટાર્ગેટેડ એમ્પ્લોયમેન્ટ એરીયામાં આઠ લાખ ડોલરનું રોકાણકરવું પડે છે અને કમસેકમ દસ ફુલ ટાઇમ જોબ્સનું સર્જન કરવું પડે છે.જો રોકાણકાર આ માપદંડ પૂરો કરે તો જ તેને, તેની પત્નીને અને તેના બાળકોને ગ્રીન કાર્ડ મળે છે.

