સેટેલાઈટ ઈન્ટરનેટના ક્ષેત્રમાં ઈલોન મસ્કની કંપની સ્ટારલિંકની અત્યારે મોનોપોલી છે. પૃથ્વીથી છીછરી ભ્રમણકક્ષામાં સ્ટારલિંકના ૧૦ હજાર સેટેલાઈટ એક્ટિવ છે. કંપની ૧૫૦ દેશોના એક કરોડ યુઝર્સને સેટેલાઈટ ઈન્ટરનેટ આપે છે. લો અર્થ ઓર્બિટરની શ્રેણીમાં એક્ટિવ સેટેલાઈટમાં ૬૫ ટકા સેટેલાઈટ મસ્કની સ્ટારલિંક કંપનીના છે. જોકે તેને ટક્કર આપવા માટે જેફ બેઝોસ ઘણાં સમયથી પ્રયાસો કરે છે.

એમેઝોનના માલિક અને ત્રીજા નંબરના સૌથી ધનવાન ઉદ્યોગપતિ જેફ બેઝોસે એમેજોન પ્રોજેક્ટ કાઈપર લોંચ કરીને સેટેલાઈટ ઈન્ટરનેટના ક્ષેત્રમાં ઝંપલાવવાની જાહેરાત તો ઘણાં વર્ષો પહેલાં કરી હતી. એ પ્રોજેક્ટ એમેઝોન લીઓ નામથી રિલોંચ થયો હતો અને એમેઝોને ૧૦ અબજ ડોલરનું રોકાણ પણ મેળવી લીધું છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે એમેઝોને ૩૨૦૦થી વધુ સેટેલાઈટ લોંચ કરવાની પરવાનગી મેળવી લીધી છે. એમેઝોનના સેટેલાઈટ ઈન્ટરનેટના બિઝનેસને આગળ વધારવા માટે હવે જેફ બેઝોસે આ ક્ષેત્રની મહત્ત્વની કંપની ગ્લોબલસ્ટારને ૧૧.૫૭ અબજ ડોલરમાં ખરીદી લીધી છે. આ રકમ ભારતના ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિથી પણ વધારે છે. રૂપિયામાં ગણતરી કરીએ તો જેફ બેઝોસે જે રકમમાં ગ્લોબલસ્ટાર કંપની ખરીદી એ ૧૦ લાખ કરોડ રૂપિયા જેટલી થાય છે.ગ્લોબલસ્ટાર કંપનીની સ્થાપના ટેલિકોમ્યુનિકેશન કંપનીના રૂપમાં ૧૯૯૧માં થઈ હતી. એ પછી કંપનીએ સેટેલાઈટ ઈન્ટરનેટના બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. આ કંપનીના અત્યારે ૫૦ સેટેલાઈટ એક્ટિવ છે. ૪૮ સેટેલાઈટ લોંચ થવાના છે. સેટેલાઈટની સંખ્યાની દૃષ્ટિએ ઘણાં ઓછા છે, પરંતુ કંપનીનું સેટઅપ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તૈયારી માટે આ રકમ જેફ બેઝોસ આપશે. આ કંપની બેથી ત્રણ સ્થળોએ તેના ઓપરેશન ચલાવે છે એ બધા એમેઝોનના કબજામાં આવશે. ૨૦૨૭માં જેફ બેઝોસને આ કંપનીનો કબજો મળશે. એમેઝોને જોકે એ સ્પષ્ટતા કરી નથી કે ગ્લોબલસ્ટાર એમેઝોન લીઓમાં મર્જ થશે કે પછી બંને કંપની જુદી જુદી રીતે કામ કરશે. ગ્લોબલસ્ટારમાં એપલની ૨૦ ટકા હિસ્સેદારી છે. એમેઝોને કહ્યું હતું કે તે એપલ સાથે મળીને કામ કરશે.
એમેઝોને ગ્લોબલસ્ટાર કંપની ખરીદી લેતા ઈલોન મસ્કની સ્ટારલિંક કંપનીને મજબૂત ટક્કર મળશે. એમેઝોન લીઓ અને ગ્લોબલસ્ટાર મળીને આગામી બે-ત્રણ વર્ષમાં ચારથી પાંચ હજાર સેટેલાઈટ એક્ટિવ કરે તો સેટેલાઈટ ઈન્ટરનેટના ક્ષેત્રમાં હરીફાઈ બરાબર જામશે.

