વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવસટીમાં ફરજ બજાવતા કર્મચારીઓના વિવિધ ૨૪થી વધુ પડતર પ્રશ્નોનું છેલ્લા ઘણા સમયથી નિરાકરણ ના આવતા આજે કર્મચારીઓએ યુનિ. ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાયો હતો. બાદમાં યુનિ. રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી સત્વરે પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગણી કરી હતી.
વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટીના વહીવટી કર્મચારી મંડળે કુલ સચિવને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ઘણા સમયથી યુનિવર્સિટીના વર્ગ-૩ અને ચારના કાયમી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં એક પણ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. ૨૦૦૬ના ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આજદીન સુધી મળ્યો નથી. અન્ય યુનિ.ની જેમ સરદાર પટેલ યુનિવસટીના કર્મચારીઓને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ મળતું નથી. મહેકમ પ્રમાણે છેલ્લા ઘણા સમયથી ખાલી જગ્યામાં ભરતી ન કરાતા કાર્યભાર વધ્યો છે.
કર્મચારીઓને નવી પેન્શન યોજનામાંથી જૂની પેન્શન યોજનાની કાર્યવાહી કરવા અંગે પણ રજૂઆત થઈ હતી. ઓફિસ સમય વિનાની કામગારીમાં ઓવર ટાઈમ અંગે નિયમો બનાવવા, કલ્યાણ નિધિ યોજના રદ કરી અન્ય યોજના શરૂ કરવા, યુનિ.ના નિવૃત્ત કર્મચારીઓને પુનઃ લેવાના બદલે નવા યુવાનોને તક આપવા, યુનિ. સ્ટાફ કોલોનીમાં ક્વાટર્સનું સમારકામ કરી સિક્યુરિટી મૂકવા સહિતની માંગણી કરાઈ હતી.


