ગુજરાતમાં એકમાત્ર ભરૂચ જિલ્લામાં યોજાતા ચાર દિવસીય મેઘ ઉત્સવનું શ્રાવણી દશમના રોજ સમાપન થયું હતું. આ પ્રસંગે, નર્મદા નદીની પવિત્ર માટીમાંથી બનેલા ઇન્દ્રદેવ સ્વરૂપ મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી, જેમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા.
મેઘરાજાના સ્થાપના સ્થળ નજીક આવેલા ઘોઘારાવ મંદિરે ભોઈ પંચની છડીનું આગમન થતાં છડી ઉત્સવનું સમાપન થયું હતું. આ દરમિયાન, નોમની રાત્રિનું રોકાણ કરીને આવેલી છડી અને મંદિરે સ્થાપિત બીજી છડીનું મિલન (ભેટાડવું) થયું હતું, જેને જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો એકઠા થયા હતા.
આ ઉપરાંત, ખારવા પંચ અને વાલ્મિકી પંચની છડીઓ પણ પોતપોતાના ઘોઘારાવ મંદિરે પહોંચી હતી, જ્યાં અખંડ જ્યોત આપોઆપ ઓલવાઈ જવાની અને ઝુમ્મર હલવાની ઘટનાએ ભક્તોમાં શ્રદ્ધા વધારી હતી. વાલ્મિકી પંચની મોરપીંછની છડી પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
દશમની સંધ્યાકાળે, ભોઈ પંચની બે છડીઓના મિલન બાદ મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા શરૂ થઈ હતી. આ યાત્રામાં મેઘરાજાના અંતિમ દર્શન કરવા માટે હજારોની જનમેદની ઉમટી પડી હતી. ભક્તોએ પડાપડી કરીને મેઘરાજાના દર્શનનો લાભ લીધો અને મોબાઈલમાં આ દ્રશ્યો કેદ કર્યા હતા.
મેઘરાજાની નગરચર્યા અને વિસર્જન યાત્રા દરમિયાન મેઘમેળામાં પણ ભારે ભીડ જોવા મળી હતી. પાંચબત્તી સર્કલ સુધી માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો, જેના કારણે વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મોડી રાત સુધી ચાલેલા મેઘમેળાના સમાપન સાથે જ આ વર્ષના મેઘ ઉત્સવનું પણ વિસર્જન થયું હતું.



