GUJARAT : યુવરાજસિંહ જાડેજા અને જીતુભાઈ ઉપાધ્યાયની લડાઈની જીત – HNGU નર્સિંગ પ્રવેશ કૌભાંડમાં સરકારની તપાસમાં ભ્રષ્ટાચાર પુરવાર થયો

0
119
meetarticle

પાટણ: નર્સિંગ કોલેજોમાં નિયમ વિરુદ્ધ થયેલા પ્રવેશ મામલે છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી લડાઈમાં આજે એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. યુવરાજસિંહ જાડેજા અને જીતુભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવેલી સતત રજૂઆતો બાદ સરકારે આ મામલે તપાસ કમિટીની રચના કરી હતી. આ કમિટીએ રજૂ કરેલા રિપોર્ટમાં ખુદ સરકારે સ્વીકાર્યું છે કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) સાથે સંકળાયેલી નર્સિંગ કોલેજોમાં નિયમો નેવે મૂકીને ગેરકાયદે પ્રવેશ આપવામાં આવ્યા હતા.

તપાસ કમિટીના રિપોર્ટના મુખ્ય તારણો:

નિયમ વિરુદ્ધ પ્રવેશ: તપાસમાં પુરવાર થયું છે કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને નર્સિંગ કોલેજોએ કાઉન્સિલની કટ-ઓફ તારીખ પછી ૭૭થી વધુ વિદ્યાર્થીઓને ગેરકાયદે પ્રવેશ આપ્યા હતા.

  • ગેરકાયદે પરીક્ષા: મોડા પ્રવેશ મળ્યા બાદ આ વિદ્યાર્થીઓની પરીક્ષા પણ નિયમોની વિરુદ્ધ જ લેવાઈ હતી.
  • અધિકારીઓનો ભ્રષ્ટાચાર: યુનિવર્સિટીના ચાર અધિકારીઓનો ભ્રષ્ટાચાર રેકોર્ડ પર સાબિત થયો છે.
    આ અહેવાલ એ સત્યને સમર્થન આપે છે જેની રજૂઆત અમે છેલ્લા બે વર્ષથી દસ્તાવેજો સાથે કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓને કોઈ નુકસાન ન થાય તે હેતુથી તેમના પ્રવેશને માન્યતા આપવામાં આવી છે, જે એક સકારાત્મક પગલું છે.

અધૂરો ન્યાય અને ભવિષ્યના પ્રશ્નો:

જોકે, આ તપાસ રિપોર્ટ અધૂરા ન્યાયની લાગણી પણ જન્માવે છે. ભ્રષ્ટાચાર સાબિત થયો હોવા છતાં, યુનિવર્સિટી અને કોલેજો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. ભ્રષ્ટાચારમાં સામેલ અધિકારીઓ આજે પણ તેમના પદ પર યથાવત છે. વિદ્યાર્થીઓના હિતના નામે ભ્રષ્ટાચારને ‘ક્લીન ચિટ’ મળી છે.

આ કેસ સરકાર માટે એક ‘ટેસ્ટ કેસ’ હતો. જો ભ્રષ્ટાચારીઓ સામે કડક પગલાં લેવાયા હોત, તો અન્ય યુનિવર્સિટીઓ અને કોલેજોને એક સ્પષ્ટ ચેતવણી મળી હોત. પરંતુ આ મામલામાં, એવો સંદેશ ગયો છે કે નિયમો તોડીને પૈસા કમાવો, અને પકડાઈ જાવ તો ‘વિદ્યાર્થી હિત’ના બહાને બચી શકાય છે.

અમારી લડાઈ ભ્રષ્ટાચારનો અંત લાવવા માટે હતી, પરંતુ સિસ્ટમ ગુંગી બનીને ફક્ત કૌભાંડને માન્યતા આપી રહી છે. જ્યાં સુધી દોષિતોને સજા નહીં મળે, ત્યાં સુધી આ લડાઈ અધૂરી રહેશે.


યુવરાજસિંહ જાડેજા
જીતુભાઈ ઉપાધ્યાય

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here