વડોદરાના આઉટ ગ્રોથ વિસ્તારમાં મૂળભૂત સુવિધાના કામો કરવા માટે આઉટ ગ્રોથ ગ્રાન્ટ મળેલી છે, જેમાંથી રોડ, રસ્તા, પાણી અને ડ્રેનેજના કામોને પ્રાથમિકતા આપવા નક્કી કરાયું છે. શહેરના વહીવટી વોર્ડ નં-1 છાણી ગામ, સોખડા રોડ પાસે 15.93 કરોડના ખર્ચે પાણીની સુવિધા માટે બુસ્ટર બનાવવામાં આવશે.

વડોદરાના ઉત્તર ઝોન વિસ્તા૨માં આવેલ છાણી વિસ્તાર ઝડપથી વિકસી રહ્યો છે, અને ભવિષ્યમાં થનાર વિકાસને ધ્યાનમાં રાખીને આ વિસ્તા૨નાં નાગરિકોને પાણીની સુવિધા પુરી પાડવી જરૂરી બની છે. છાણી ગામ, સોખડા રોડ પાસે ડ્રાફ્ટ ટીપી 49 છાણીમાં ફાઇનલ પ્લોટ નં 354 કે જે પાર્કિગ પ્લોટ છે, ત્યાં આ બુસ્ટર બનાવવાનું આયોજન કરેલ છે. આ માટે સ્ટેન્ડિંગ કમિટીમાં એક દરખાસ્ત પણ રજૂ થઈ છે. આ અગાઉ શહેરના દક્ષિણ ઝોનમાં આઉટ ગ્રોથ વિસ્તાર તરીકે વિકસી રહેલા તરસાલી વિસ્તારમાં પણ 20.24 કરોડનું બુસ્ટિંગ સ્ટેશન બનાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. આ બુસ્ટિંગ સ્ટેશન બનતા તરસાલી, મકરપુરા અને એરફોર્સ પાછળના વિસ્તારમાં પાણીની તકલીફ દૂર થશે.

