ભાજપના ધારાસભ્યોના પ્રતિનિધિમંડળે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની સાથે મુલાકાત કરી હતી, અને જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી મેડિકલ કોલેજમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને હિન્દુ વિદ્યાર્થીઓ કરતા વધુ એડમિશન અપાયાનો આરોપ લગાવી આવેદનપત્ર આપ્યું હતું. હિન્દુ સંગઠનોની માગ છે કે આ કોલેજમાં માત્ર હિન્દુઓને જ એડમિશન આપવામાં આવે.

જમ્મુ કાશ્મીર ભાજપના ધારાસભ્યોએ ઉપરાજ્યપાલ મનોજ સિન્હાને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં દાવો કર્યો હતો કે વૈષ્ણોદેવી મેડિકલ કોલેજમાં ૫૦ બેઠકોમાં ૪૨ પર માત્ર મુસ્લિમ વિદ્યાર્થીઓને લેવામાં આવ્યા છે. જ્યારે હિન્દુ સંગઠનોનો દાવો છે કે આ કોલેજનું ફન્ડ વૈષ્ણોદેવી ધામ બોર્ડ દ્વારા આપવામાં આવે છે. અને કેમ કે એક ધાર્મિક સંસ્થા આ શૈક્ષણિક સંસ્થા ચલાવી રહી હોવાથી આ કોલેજમાં માત્ર એવા જ વિદ્યાર્થીઓને એડમિશન મળવું જોઇએ કે જેઓ ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય. હિન્દુ સંગઠનોની માગણી છે કે આ સંસ્થામાં માત્ર હિન્દુ વિદ્યાર્થીઓને જ એડમિશન મળવું જોઇએ. જ્યારે ભાજપના પ્રતિનિધિઓએ એડમિશનની પ્રક્રિયા પર ફરી વિચારણા કરવાની માગણી કરી છે. જોકે એક રિપોર્ટ મુજબ આ કોલેજમાં નેશનલ મેડિકલ કાઉન્સિલની ગાઇડલાઇન મુજબ નીટના મેરિટના આધારે જ એડમિશન આપવામાં આવ્યા છે. પરંતુ હિન્દુ સંગઠનોની માગણી છે કે માત્ર હિન્દુઓને જ પ્રવેશ આપવો જોઇએ. જમ્મુ કાશ્મીર વિધાનસભામાં વિપક્ષ નેતા સુનીલ શર્માએ કહ્યું હતું કે આ કોલેજમાં એક સમુદાય વિશેષના બાળકોનો પ્રવેશ અમને મંજૂર નથી. વૈષ્ણોદેવીમાં જેની આસ્થા હોય તેને જ એડમિશન આપવા જોઇએ. મનોજ સિન્હા માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના ચેરમેન પણ છે.

