ARTICLE : રોજ લાખો લોકો વિદાય લે છે આ દુનિયાથી, ક્યારેય વિચાર્યું છે કે આપણે બધા માટે કેમ નથી રડતા?

0
14
meetarticle

દુનિયામાં દરરોજ લાખો લોકો મૃત્યુ પામે છે. કોઈ બીમારીને કારણે, કોઈ અકસ્માતમાં તો કોઈ કુદરતી રીતે પોતાની જીવનલીલા સંકેલી લે છે. આપણે સમાચારોમાં આ આંકડા વાંચીએ છીએ, ટીવી પર દ્રશ્યો જોઈએ છીએ, પણ આપણું હૃદય એ દરેક મૃત્યુ પર રડતું નથી. આપણે આપણું કામ ચાલુ રાખીએ છીએ, હસીએ છીએ અને સામાન્ય જીવન જીવીએ છીએ. પરંતુ, જ્યારે એ લાખોમાંથી કોઈ એક વ્યક્તિ આપણા ઘરની કે અંગત હોય છે, ત્યારે આખી દુનિયા વેરવિખેર થઈ જાય છે.
“દુઃખનું કારણ મૃત્યુ નથી, પણ તે વ્યક્તિ સાથેનો આપણો સંબંધ છે.” મૃત્યુ તો માત્ર એક પ્રક્રિયા છે.શરીરના અંતની. પણ જ્યારે આપણે કોઈ વ્યક્તિને ‘મારી પોતાની’ કહીએ છીએ, ત્યારે આપણે તેની સાથેઆપણી લાગણીઓ, અપેક્ષાઓ અને ભવિષ્યના સપનાઓ જોડી દઈએ છીએ. જ્યારે એ વ્યક્તિ જાય છે, ત્યારે એ સપનાઓ અને અપેક્ષાઓ તૂટે છે, અને એ તૂટવાનો અવાજ એટલે આપણા ‘આંસુ’.
સ્મશાનમાં રોજ અનેક ચિતાઓ સળગે છે. ત્યાંથી પસાર થતી વખતે આપણે કદાચ બે મિનિટ માટે મૌન પાળીએ અથવા ભગવાનને પ્રાર્થના કરીએ કે તેની આત્માને શાંતિ મળે. પણ આપણા પગ અટકતા નથી. કેમ? કારણ કે ત્યાં આપણું ‘કોઈ’ નથી. આપણે વ્યક્તિના જવાથી નહીં, પણ આપણા જીવનમાં તેની જે ‘જગ્યા’ હતી તે ખાલી પડવાથી દુઃખી છીએ. આપણે એ શૂન્યાવકાશથી ડરીએ છીએ જે એ વ્યક્તિના જવાથી સર્જાયો છે.
આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો, આપણે જેને પ્રેમ કહીએ છીએ તે ઘણીવાર ‘મોહ’ હોય છે. પ્રેમ મુક્ત કરે છે, જ્યારે મોહ બાંધે છે. આપણે એ વ્યક્તિને આપણી ખુશીનું સાધન માની લઈએ છીએ. જ્યારે એ સાધન છીનવાઈ જાય છે, ત્યારે આપણે આક્રંદ કરીએ છીએ.જોઆપણે સમજી શકીએ કે દરેક જીવ આ પૃથ્વી પર મુસાફર છે અનેદરેકનો રસ્તો અલગ છે, તો કદાચ વિદાયની વેળાએ આટલી પીડા ન થાય.
આ સત્યમાંથી શું શીખવું?
આ વાતનો અર્થ એ નથી કે આપણે પથ્થર દિલના બની જવું. પણ આ વાસ્તવિકતા આપણને બે ખૂબ જ કિંમતી પાઠ ભણાવે છે કે જીવતા માણસની કદર .જો આપણે જાણીએ છીએ કે સંબંધ જ દુઃખનું મૂળ છે, તો એનો અર્થ એ પણ છે કે સંબંધ જ સુખનું મૂળ છે. વ્યક્તિના ગયા પછી રડવા કરતા, તે જ્યારે સાથે છે ત્યારે તેને પૂરતો પ્રેમ અને સન્માન આપવું જોઈએ. બીજું કે માનસિક તૈયારી ‘પરિવર્તન’ એ સંસારનો નિયમ છે. આજે જે આપણી સાથે છે, તે કાલે નહીં હોય આ વાતનો સ્વીકાર
આપણને માનસિક રીતે મજબૂત બનાવે છે.
અંતે તો એટલું જ કે, મૃત્યુ એ અંત નથી, પણ એક નવો પ્રારંભ છે. આપણે બધા માટે એટલે નથી રડતા કારણ કે આપણો દરેક સાથે ‘તાર’ જોડાયેલો નથી. જેની સાથે આપણી લાગણીનો તાર જોડાયેલો હોય, એના જવાથી જ આભ ફાટતું લાગે છે. સંબંધો સાચવો, કારણ કે અંતે તો એ યાદો જ આપણી મૂડી છે.

દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here