આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ખોટા ઉપયોગથી હવે સુપ્રીમ કોર્ટ પણ પરેશાન થઈ ગઈ છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે ખુલાસો કર્યો હતો કે, વકીલો દ્વારા AI ની મદદથી તૈયાર કરવામાં આવેલી અરજીઓમાં એવા ચુકાદાઓના સંદર્ભો આપવામાં આવી રહ્યા છે, જે વાસ્તવમાં ક્યારેય લેવાયા જ નથી એટલે કે તે સંપૂર્ણપણે નકલી (Fake) છે. આ મુદ્દો ભારતના ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતની આગેવાની હેઠળની બેંચમાં ઉઠ્યો હતો. જેમાં જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ બી.વી. નાગરત્ના પણ સામેલ હતા.

AI થી તૈયાર કરાયેલી અરજીઓથી કોર્ટ પરેશાન
સીજેઆઈ સૂર્યકાંતે AI દ્વારા તૈયાર કરાયેલી અરજીઓ અને તેમાં ટાંકવામાં આવેલા નકલી ચુકાદાઓ અંગે કહ્યું હતું કે, “અમે એ વિચારીને પરેશાન છીએ કે કેટલાક વકીલોએ AI થી ડ્રાફ્ટિંગ કરવાનું શરૂ કરી દીધું છે. આ અત્યંત ગંભીર અને ખોટું છે.” આ દરમિયાન જસ્ટિસ નાગરત્નાએ ઉમેર્યું હતું કે, તેમને તાજેતરમાં એક ‘મર્સી વિરુદ્ધ મેનકાઈન્ડ’ (Mercy vs Mankind) ચુકાદાનો સંદર્ભ મળ્યો હતો, જે વાસ્તવમાં અસ્તિત્વમાં જ નથી.
અનેક જજો સાથે બની આવી ઘટનાઓ
સીજેઆઈ સૂર્યકાંતે વધુમાં જણાવ્યું હતું કે આવી જ એક ઘટના જસ્ટિસ દીપાંકર દત્તાની કોર્ટમાં પણ બની હતી. તેમણે કહ્યું કે, “એક નહીં પરંતુ અનેક એવા ચુકાદાઓ ટાંકવામાં આવ્યા જે નકલી હતા.” જસ્ટિસ નાગરત્નાએ અન્ય એક કેસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ઘણી વખત ચુકાદાનો સંદર્ભ સાચો હોય છે, પરંતુ તે ચુકાદા વિશે જે ‘કોટ’ (Quotes) આપવામાં આવ્યા હોય છે તે નકલી હોય છે. આના કારણે જજો પર કામનું ભારણ વધ્યું છે કારણ કે તેમણે દરેક સંદર્ભની સત્યતા તપાસવી પડે છે.
વકીલોની ડ્રાફ્ટિંગ ગુણવત્તામાં ઘટાડો
જસ્ટિસ બાગચીએ ચિંતા વ્યક્ત કરી હતી કે, આજકાલ લીગલ ડ્રાફ્ટિંગની કળાને મોટું નુકસાન પહોંચ્યું છે. તેમણે સ્પેશિયલ લીવ પિટિશન (SLP) નો હવાલો આપતા કહ્યું કે તે જૂના ચુકાદાઓના કોટેશન્સથી ભરેલી હોય છે. તેમણે વરિષ્ઠ એડવોકેટ અશોક કુમાર સેન જેવા દિગ્ગજ વકીલોને યાદ કર્યા હતા, જેમના ડ્રાફ્ટ સચોટ, ટૂંકા અને મૌલિક હતા.
બોમ્બે હાઈકોર્ટે ફટકાર્યો હતો દંડ
નોંધનીય છે કે, તાજેતરમાં જ બોમ્બે હાઈકોર્ટે AI દ્વારા તૈયાર કરવામાં આવેલા નકલી કોટેશનના ઉપયોગ બદલ અરજદાર પર દંડ ફટકારવામાં આવ્યો હતો. ન્યાયતંત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે, પરંતુ તેની વિશ્વસનીયતા સામે હવે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.

