વિવાદિત સોશિયલ મડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં ત્રણ ફરિયાદો નોંધાઈ છે. પોલીસે તેને રાજસ્થાનથી ધરપકડ કરીને જૂનાગઢ ખાતે લાવવામાં આવી હતી. કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. હવે તેણે કોર્ટમાં જામીન અરજી કરી હોવાની વિગતો સામે આવી રહી છે. કીર્તિ પટેલના વકિલે જામીન માટે માગ કરી હતી. બંને પક્ષના વકીલોની કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ હતી.

કીર્તિ પટેલ સામે ત્રણ ફરિયાદ દાખલ થઈ
ભવનાથના મેળાથી શરૂ થયેલો વિવાદ બંધ થવાનું નામ લેતો નથી. કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરતા તેને બહાર કાઢવા ઈન્દ્રભારથીએ અધિકારીઓને રજૂઆત કરી હતી. બાદમાં તેને બહાર કાઢવામાં આવી ત્યારે કીર્તિએ મહિલા પીઆઈ સાથે ગેરવર્તુણક કરી ફરજમાં રૂકાવટ કરી હોવાનો ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.
ત્યારબાદ પ્રભાસ-પાટણના નિરાલી ખોડિયાર આશ્રમના મહંત અને મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ દ્વારા ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ આપતા કીર્તિ પટેલ સામે ભવનાથ પોલીસ સ્ટેશનમાં બીજો ગુનો દાખલ થયો હતો.
3 ગુનો તા.20 ફેબ્રુઆરીની રાત્રે કીર્તિ પટેલ સામે 20 લાખની ખંડણી માંગવી અને જો ખંડણી ન આપે તો બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાની તથા મારી નાખવાની ધમકી આપ્યાનો જૂનાગઢ તાલુકા પોલીસમાં અબઝલ સીડાએ ગુનો નોંધાવ્યો હતો
કીર્તિ પટેલની ધરપકડ કરીને જૂનાગઢ લાવવામાં આવી
પોલીસે રાજસ્થાનથી કીર્તિ પટેલની ધરપકડ કરીને જૂનાગઢ લાવવામાં આવી હતી. જ્યાં તેની મેડિકલ તપાસ બાદ તેને કોર્ટમાં રજૂ કરાઈ હતી.જૂનાગઢ કોર્ટમાં પોલીસે તેના પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતાં. જેની સામે કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. આ કેસમાં હજુ અન્ય શખ્સો ફરાર હોવાથી તેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ કસ્ટડીમાં રહેલી કીર્તી પટેલને જાણે કાયદાનો ડર જ ના હોય તેમ તે પોલીસ કસ્ટડીમાં પણ હસતી અને બેફિકર જોવા મળી હતી.

