ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી નર્મદા સંસ્કૃત વૈદ પાઠશાળાના વિદ્યાર્થીઓ પર મધરાત્રે જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીઓ વચ્ચેની સામાન્ય મસ્તી અને બોલાચાલીનો રોષ રાખી બહારથી આવેલા શખ્સોએ ત્રણ વિદ્યાર્થીઓને લાકડીઓ વડે માર મારી, આઈફોન તોડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભરૂચ ‘સી’ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પાઠશાળાના ગૃહપતિ મહેન્દ્રભાઈ શાંતિલાલ જોષીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, વિદ્યાર્થી ઉત્સવ અને અગમ પાંડે વચ્ચે દાદર પર મસ્તી દરમિયાન સામાન્ય બોલાચાલી થઈ હતી. જે બાબતે અગમે ઉત્સવને ધમકી આપી હતી. આ વિવાદ બાદ મધરાત્રે અંદાજે પોણા બાર વાગ્યાના અરસામાં બે ફોર-વ્હીલ ગાડીઓમાં પાંચ-છ શખ્સો પાઠશાળાના સંકુલ પાસે ધસી આવ્યા હતા.
હુમલાખોરોએ સંકુલના હનુમાન મંદિર પાસે પહોંચી વિદ્યાર્થી ઉત્સવને નિશાન બનાવ્યો હતો. એક શખ્સે લાકડી વડે ઉત્સવના પગ અને જાંઘના ભાગે સપાટા માર્યા હતા, જેના કારણે તેના ખિસ્સામાં રહેલો ₹32,000ની કિંમતનો આઈફોન-11 પણ તૂટી ગયો હતો. ઉત્સવને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્રો જય રાવલ અને રાજવીર દવેને પણ હુમલાખોરોએ લાકડીઓ વડે બેફામ માર માર્યો હતો.
ઘટના સ્થળે હાજર ગૃહપતિએ આરોપીઓના નામ પૂછતા તેઓએ પોતાની ઓળખ નેવીલ, મેવા કુંભાર, મુકેશ ચૌધરી, કાળા મોદી અને નવીન પટેલ (તમામ રહે. અંકલેશ્વર) તરીકે આપી હતી. હુમલો કર્યા બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી વાહનોમાં ફરાર થઈ ગયા હતા.
આ મામલે ભરૂચ ‘સી’ ડિવિઝન પોલીસે ગૃહપતિની ફરિયાદના આધારે તમામ છ શખ્સો વિરુદ્ધ મારપીટ, તોડફોડ અને ધમકી આપવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. શૈક્ષણિક સંકુલમાં બનેલી આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફાળ પડી છે.

