ARTICLE : ધુરંધર 2′: સિનેમાના પડદે વાસ્તવિકતા અને કલ્પનાનું અટપટું મિશ્રણ – એક તાર્કિક વિશ્લેષણ

0
12
meetarticle

સિનેમા એ સમાજનું દર્પણ ગણાય છે, પરંતુ ક્યારેક એ દર્પણ ‘કોન્વેક્સ’ કે ‘કોનકેવ’ લેન્સ જેવું થઈ જાય છે, જેમાં સત્ય ક્યાંક નાનું દેખાય છે તો ક્યાંક અત્યંત વરવું અને મોટું કરી દેવામાં આવે છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધુરંધર 2’ વિશે ચર્ચાઓનો દોર ગરમાયો છે. આ ફિલ્મ જોયા પછી સામાન્ય પ્રેક્ષક તો કદાચ તાળીઓ પાડીને બહાર નીકળી જાય, પણ એક જાગૃત નાગરિક અને સાહિત્યકાર તરીકે જ્યારે હું આ ફિલ્મની પરત ઉખેડું છું, ત્યારે અનેક તાર્કિક પ્રશ્નો સામે આવે છે.
​૧. ડિસ્ક્લેમરની માયાજાળ: સત્ય કે કલ્પના?
​ફિલ્મ શરૂ થાય એ પહેલાં જ પડદા પર એક લાંબુ-લચક ડિસ્ક્લેમર આવે છે: “આ ફિલ્મ સંપૂર્ણપણે કાલ્પનિક છે, જે વાસ્તવિક જીવનની ઘટનાઓથી પ્રેરિત છે… આ કોઈ ડોક્યુમેન્ટ્રી નથી…”
​અહીં જ પહેલો વિરોધાભાસ ઊભો થાય છે. જો ફિલ્મ કાલ્પનિક છે, તો ‘રિયલ ઇવેન્ટ્સ’ થી પ્રેરિત હોવાનો દાવો શા માટે? આ એક એવી છટકબારી છે જેનો ઉપયોગ ફિલ્મ સર્જકો વારંવાર કાયદાકીય ગૂંચવણોથી બચવા માટે કરે છે. પરંતુ સવાલ એ છે કે, જો તમે ઇતિહાસ કે વર્તમાનની કોઈ ચોક્કસ ઘટનાને આધારે ફિલ્મ બનાવો છો, તો પ્રેક્ષકો તેને સત્ય માની બેસે છે. જ્યારે તમે તેને ‘નાટકીય’ બનાવો છો, ત્યારે સત્યનો ગળું ઘોંટાઈ જાય છે. ભિયા, આને રિયલ ઇન્સ્પિરેશન કહેવું કે ફિક્શનના નામે ચલાવાયેલું અર્ધસત્ય?
​૨. હમઝાની ડાયરી: પ્રોફેશનલ જાસૂસ કે પબજી પ્લેયર?
​રણવીર સિંહે ભજવેલું ‘હમઝા’નું પાત્ર એક એવો RAW એજન્ટ છે જે છેલ્લા દસ વર્ષથી ISI અને પાકિસ્તાની અંડરવર્લ્ડમાં ઘૂસપેઠ કરીને ટોચ પર પહોંચ્યો છે. આટલી ઊંચાઈએ પહોંચવા માટે લોખંડી સંયમ અને અતિશય સાવધતા જોઈએ. પરંતુ હમઝા શું કરે છે? એ પોતાની પાસે રહેલો સૌથી મોટો પુરાવો—એક સિક્રેટ હિટ લિસ્ટ ડાયરી—પોતાના ઘરના કબાટમાં રાખે છે!
​આજના ડિજિટલ યુગમાં, જ્યાં ક્લાઉડ સ્ટોરેજ અને એન્ક્રિપ્ટેડ ડેટાની સુવિધા છે, ત્યાં એક પ્રોફેશનલ જાસૂસ શું હજી પણ કાગળ પર ડાયરી લખતો હશે? અને તે પણ એવી રીતે કે તેની પત્ની યલીના એક જ વાર તલાશી લેતા તેને શોધી કાઢે અને ગન તાણી દે? હમઝાને એટલી પણ ગતાગમ નહોતી કે તેની બીવી કબાટ ખોલશે? આ જાસૂસી વિજ્ઞાનનો અપમાન કરવા જેવું છે.
​૩. એસ.પી. ખાન અને સુરક્ષાની એસીતૈસી
​ફિલ્મમાં સંજય દત્ત ‘એસ.પી. ખાન’ ના રોલમાં છે. એક પોલીસ ઓફિસર જે હમઝા પર શક કરે છે, તે તેની સાથે વાત કરવા ક્યાં જાય છે? હમઝાના જ ઘરના ડ્રાઈવવેમાં! કોઈ પણ ગોપનીયતા વગર, ખુલ્લેઆમ! હમઝા આ બધું આસાનીથી સાંભળી લે છે અને તેને હેન્ડલ પણ કરી લે છે. વાસ્તવિક જીવનમાં ગુપ્તચર એજન્સીઓના ઓપરેશન આટલા બાલિશ નથી હોતા. શું આપણી પોલીસ અને એજન્સીઓ આટલી બિનઅનુભવી છે કે શંકાસ્પદના ઘરના આંગણે જઈને જ પ્લાનિંગ ડિસ્કસ કરે?
​૪. નોટબંધી અને ૬૦,૦૦૦ કરોડનું ગણિત
​ફિલ્મનો સૌથી વિવાદાસ્પદ મુદ્દો નોટબંધી (Demonetisation) છે. ફિલ્મ એવો દાવો કરે છે કે ISI ભારતની અર્થવ્યવસ્થાને તોડવા માટે ૬૦,૦૦૦ કરોડની ફેક કરન્સી ઘુસાડવાનું હતું, તેથી નોટબંધી કરવામાં આવી. ફિલ્મમાં એક પાત્ર પાસે ફેક નોટોથી ભરેલું ગોદામ રહી જાય છે અને તે જે રીતે કાર્ટૂની અંદાજમાં ગભરાય છે, તેના પર થિયેટરમાં તાળીઓ પડે છે.
​પરંતુ આંકડાકીય સત્ય કંઈક અલગ છે. RBI ના સત્તાવાર રિપોર્ટ મુજબ, નોટબંધી પછી ૯૯.૩% નોટો સિસ્ટમમાં પાછી આવી હતી. તો પછી એ ૬૦,૦૦૦ કરોડની નકલી નોટો ક્યાં ગઈ? શું તે બધી પકડાઈ ગઈ હતી? ફિલ્મ વાસ્તવિક આંકડાઓને નજરઅંદાજ કરીને વિજયનો ખોટો અહેસાસ કરાવે છે. સિનેમામાં મનોરંજન હોય તે ઠીક છે, પણ તે આર્થિક સત્યના ભોગે ન હોવું જોઈએ.
​૫. ઉત્તર પ્રદેશની સરકાર અને પાકિસ્તાની ડોન
​ફિલ્મમાં એક સંવાદ છે જ્યાં પાકિસ્તાની ડોન કહે છે કે “હવે યુપીમાં આપણી સરકાર બનાવવી મુશ્કેલ બનશે.” આ સંવાદ સાંભળતા જ અનેક પ્રશ્નો થાય છે. શું ભારતના સૌથી મોટા રાજ્યની સરકારો અત્યાર સુધી પાકિસ્તાનમાં નક્કી થતી હતી? આ સંવાદ માત્ર રાજકીય દ્વેષ અને સનસનાટી ફેલાવવા માટે જ લાગે છે. અખિલેશ યાદવ જેવા નેતાઓ સામે પરોક્ષ રીતે આંગળી ચીંધીને ફિલ્મ સર્જકો શું સાબિત કરવા માંગે છે? લોકશાહીમાં જનતા મતના આધારે સરકાર પસંદ કરે છે, નહીં કે વિદેશી ફંડિંગના આધારે.
​૬. ટાઈમલાઈનની ગરબડ: હમઝાનો સંસાર
​ફિલ્મની સ્ક્રિપ્ટમાં લજિકની ભારે ખામી જોવા મળે છે. હમઝા કહે છે કે તેણે તેની પત્ની સાથે બે વર્ષ વિતાવ્યા છે. પરંતુ ફિલ્મમાં તેની અને યલીનાની લગ્નજીવનની અવધિ અને તેમનું ૩-૪ વર્ષનું બાળક ટાઈમલાઈન સાથે મેચ થતું નથી. આ પ્રકારની ભૂલો દર્શાવે છે કે ફિલ્મ માત્ર ઇમોશનલ અત્યાચાર અને એક્શન પર જ ધ્યાન આપે છે, વિગતો (Details) પર નહીં. ઓમ રાઉત જેવા નિર્દેશકોની ટ્રેનિંગમાં કદાચ લોજિક ગૌણ બની જતું હોય તેવું લાગે છે.
​૭. પ્રોફેશનલ જાસૂસ કે ઈમ્પલ્સિવ ગુંડો?
​એક જાસૂસનું સૌથી મોટું શસ્ત્ર તેનું ‘ઠંડુ મગજ’ હોય છે. પરંતુ હમઝા તો આખી ફિલ્મમાં ગુસ્સા અને અહંકારમાં જ નિર્ણયો લે છે. તે વારંવાર ઈમ્પલ્સિવ (આવેગશીલ) બની જાય છે. જે માણસ દસ વર્ષથી અન્ડરકવર રહ્યો હોય, તે આટલો અસ્થિર મગજનો કેવી રીતે હોઈ શકે? જો તે આટલો જ ગુસ્સેલ હોત, તો ISI એ તેને પહેલા જ દિવસે ઠાર કર્યો હોત.
​૮. હિંસા અને અશ્લીલતાનો અતિરેક
​ફિલ્મમાં ગાળોનો જે રીતે વરસાદ થયો છે, તે સાંભળીને કાન લાલ થઈ જાય. હિંસા પણ એવી કે માનવતા કંપી ઉઠે. કોઈના મોઢામાં ગન નાખીને ગોળી મારવી, તો કોઈના કાનમાં. હદ તો ત્યારે થાય છે જ્યારે હમઝા એક નીચે પડેલા માણસના ગુદામાર્ગ (Rectum) માં ગનની નલી ફસાવીને ગોળી મારે છે. આ સીન શું દર્શાવવા માંગે છે? શું આ બહાદુરી છે? કે પછી વિકૃત માનસિકતાનું પ્રદર્શન? શૂટિંગ દરમિયાન આ સીન ફિલ્માવતી વખતે કલાકારોને હસવું આવ્યું હશે કે કમકમાટી? આ પ્રકારની હિંસા સિનેમાને કઈ દિશામાં લઈ જઈ રહી છે?
​૯. ‘બડા સાહેબ’ અને પાકિસ્તાની સત્તાની વાસ્તવિકતા
​ફિલ્મમાં દાઉદ ઈબ્રાહિમ જેવું જ એક પાત્ર ‘બડા સાહેબ’ તરીકે બતાવ્યું છે, જે આખું પાકિસ્તાન ચલાવે છે. અહીં ફિલ્મ મેકર્સ પાકિસ્તાની આર્મી અને ISI ને જાણે કે ગૌણ સાબિત કરી દે છે. આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાનની સત્તાની ધુરા ત્યાંની આર્મી પાસે છે, દાઉદ પાસે નહીં. દાઉદ જેવા લોકો ત્યાં માત્ર આશરો લઈને બેઠા છે. આ રીતે વિલનનું ગ્લોરીફિકેશન કરવું એ આંતરરાષ્ટ્રીય રાજકારણની ખોટી સમજ આપે છે.
​૧૦. નિષ્કર્ષ: જાગૃત પ્રેક્ષકોની જરૂર
​’ધુરંધર 2′ જેવી ફિલ્મો જ્યારે રાષ્ટ્રવાદના નામે અતિશયોક્તિ અને અતાર્કિકતા પીરસે છે, ત્યારે તે સમાજ માટે હાનિકારક બની શકે છે. રાષ્ટ્રવાદ એટલે માત્ર પાકિસ્તાન વિરોધી નારા લગાવવા કે રૂંવાડા ઉભા કરી દે તેવી હિંસા જોવી એ નથી. રાષ્ટ્રવાદ એટલે સત્ય અને ન્યાયના પક્ષે ઉભા રહેવું.
​આ ફિલ્મ કદાચ બોક્સ ઓફિસ પર કરોડો કમાઈ લેશે, પણ શું તે ઇતિહાસના પન્ના પર એક સાચી અને સચોટ ફિલ્મ તરીકે જીવંત રહેશે? ના. સિનેમામાં જ્યારે સત્યને કલ્પનાના રંગે એ રીતે રંગવામાં આવે કે સત્ય જ ઓળખાય નહીં, ત્યારે તે માત્ર એક પ્રોપગેન્ડા બનીને રહી જાય છે.
​જય હિન્દ, જય ભારત.
​લેખક અશ્વિન ગોહિલ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here