IPL 2026 પહેલા ક્રિકેટ ચાહકો અને ખાસ કરીને ધોનીના ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ અને સ્ટાર ખેલાડી મહેન્દ્રસિંહ ધોની માટે આ સિઝન તેની છેલ્લી IPL હોઈ શકે છે. પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ સંકેત આપ્યા છે કે 2026માં ધોની ‘યલો જર્સી’ને અલવિદા કહી શકે છે.

ઋતુરાજ ગાયકવાડની આગેવાનીમાં જ CSK મેદાન પર ઉતરશે
ધોની IPLના સૌથી મહાન ખેલાડીઓમાં ગણાય છે. તેણે અત્યાર સુધી 278 મેચ રમી છે અને 5439 રન બનાવ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે, તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને 5 વખત ચેમ્પિયન બનાવ્યું છે. જો કે 2024થી ધોનીએ કેપ્ટનનું પદ છોડી દીધું છે. ટીમ CSK હવે ધીમે ધીમે ઋતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં આગળ વધી રહી છે.’મેન્ટરના રોલમાં જોવા મળી શકે છે ધોની’
ઉથપ્પાના જણાવ્યા અનુસાર, આ વખતે ધોનીનો રોલ થોડો બદલાયેલો જોવા મળી શકે છે. તેણે કહ્યું કે, IPL 2026 ધોનીની છેલ્લી સિઝન હોઈ શકે છે. તે ‘મેન્ટર + પ્લેયર’ની ભૂમિકા ભજવી શકે છે. પહેલાની જેમ નંબર 7 પર નહીં, પરંતુ નંબર 8 પર બેટિંગ કરી શકે છે. એટલે કે ધોની ધીમે ધીમે પોતાની જાતને ટીમથી અલગ કરવાની તૈયારી કરી રહ્યો છે, જેથી નવી લીડરશિપ સંપૂર્ણપણે પોતાની જવાબદારી સારી રીતે નિભાવી શકે.
CSKમાં ફેરફારની શરૂઆત
CSKએ તાજેતરમાં સંજુ સેમસનને ટીમમાં સામેલ કર્યો છે. આ નિર્ણયને પણ ધોની પછીના પ્લાનિંગ તરીકે જોવામાં આવી રહ્યો છે. ટીમ હવે ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણયો લઈ રહી છે.
પરંતુ હજુ ‘થાલા’ નિવૃત્ત થયો નથી
જો કે રિટાયરમેન્ટની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, પરંતુ ધોનીની તૈયારી કંઈક અલગ જ કહાની કહી રહી છે. તે આ મહિને ચેન્નાઈ પહોંચીને જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યો છે. રાંચીમાં પણ તેણે પહેલાથી જ ટ્રેનિંગ શરૂ કરી દીધી હતી. એટલે કે ધોની હજુ પણ આખી સિઝન માટે તૈયાર દેખાઈ રહ્યો છે.
શું ધોની આખી IPL રમશે?
CSKના CEOએ સ્પષ્ટ કર્યું છે કે ધોની આખી સિઝન માટે ઉપલબ્ધ રહેશે. જો કે તે કેટલી મેચ રમશે અને તેનો રોલ શું હશે, તે ટીમ મેનેજમેન્ટ નક્કી કરશે. જણાવી દઈએ કે IPLની 19મી સીઝનનો પ્રારંભ 28 માર્ચથી થઈ રહ્યો છે. પરંતુ અત્યાર સુધી માત્ર 12 એપ્રિલ સુધીનું જ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આગળનું શિડ્યુલ પછીથી જાહેર કરવામાં આવશે.

