અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા બગોદરા, બાવળા, કેરાળા અને ચાંગોદર જેવા મહત્વના હાઈવે માર્ગોે પર હાલ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સ્થાનિક ઔદ્યોગિક એકમો અને કેટલીક ગ્રામ પંચાયતો દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ અને જોખમી કચરો સીધો હાઈવે પર જ ફેંકવામાં આવતા સ્વચ્છતા મિશનના લીરેલીરા ઉડી રહ્યા છે.

ખાસ કરીને કલ્યાણગઢ પાટિયા પાસે હાઈવે પર રઝળતા કચરાને કારણે પશુઓનો મેળાવડો જામતો હોવાથી વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ વધ્યું છે. રસ્તા પર ફેલાયેલા આ વેસ્ટને કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય સામે પણ પ્રશ્નો ઉભા થયા છે. આ ગંભીર બાબતે જિલ્લા કલેક્ટર અને વિકાસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરી, જવાબદારો સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે.

