ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક પર પહોંચ્યો છે. મંગળવારે ઈરાને ઈઝરાયલના આર્થિક કેન્દ્ર ગણાતા તેલ અવીવ સહિતના અનેક શહેરો પર એકસાથે અનેક મિસાઇલ છોડી હતી, જેના કારણે સમગ્ર દેશમાં ખતરાની સાયરનો ગુંજી ઉઠી હતી. આ હુમલામાં તેલ અવીવની એક બહુમાળી રહેણાંક ઇમારત પર મિસાઇલ પડતાં ભારે નુકસાન થયું છે અને ફાયર વિભાગ દ્વારા કાટમાળમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ ભીષણ હુમલાના જવાબમાં ઈઝરાયલની વાયુસેનાએ પણ આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાનની રાજધાની તેહરાનમાં આવેલા ગુપ્તચર મંત્રાલય અને રિવોલ્યુશનરી ગાર્ડ્સના મુખ્ય કમાન્ડ સેન્ટરો સહિત 50થી વધુ સંવેદનશીલ સ્થળો પર ઈઝરાયલ દ્વારા ભારે બોમ્બમારો કરવામાં આવ્યો છે. બંને દેશો વચ્ચે વધતાં જતાં આ હુમલાઓને કારણે સમગ્ર મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે અને હજારો લોકોના જીવ જોખમમાં મૂકાયા છે
.ટ્રમ્પનો દાવો: ઈરાન સાથેની વાતચીત સકારાત્મક રહી
બીજી તરફ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સાથેની વાતચીત ખૂબ જ સકારાત્મક રહી છે. આ વાટાઘાટોને ધ્યાનમાં રાખીને તેમણે ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર થનારા સંભવિત હુમલાને પાંચ દિવસ માટે મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બંને દેશો વચ્ચે યુદ્ધનો અંત લાવવા માટે મહત્ત્વના મુદ્દાઓ પર સહમતિ સધાઈ રહી છે. ઈરાનનો ઇન્કાર: વાતચીતના સમાચારને ગણાવ્યા ‘ફેક ન્યૂઝ’
જોકે, ઈરાનના વલણે આ દાવાઓ પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યા છે. ઈરાનના સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાકેર કાલીબાફે અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાતચીત થઈ હોવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે અને ટ્રમ્પના નિવેદનને બજારમાં ગેરમાર્ગે દોરનારા ‘ફેક ન્યૂઝ’ ગણાવ્યા છે. આ વિરોધાભાસી નિવેદનો વચ્ચે ઈરાની મીડિયામાં એવી અટકળો તેજ થઈ છે કે, બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ટૂંક સમયમાં સીધી વાતચીત થઈ શકે છે.
વૈશ્વિક બજારમાં ઓઇલના ભાવમાં ભારે ઉથલપાથલ
આ યુદ્ધની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પણ પડી રહી છે. ઈરાને વિશ્વના 20 ટકા તેલ અને ગેસના પરિવહન માટેના મુખ્ય દરિયાઈ માર્ગ ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ને બંધ કરી દીધો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 2,000થી વધુ લોકોના મોત થયા છે. એક તરફ શાંતિ માટે મધ્યસ્થતાના પ્રયાસો થઈ રહ્યા છે, તો બીજી તરફ ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સે અમેરિકન લક્ષ્યો પર નવા હુમલાની ચેતવણી આપીને તણાવમાં વધારો કર્યો છે.

