AHMEDABAD : ધરજી ગામે પોલીસ પર હુમલો કરનાર 17થી વધુ આરોપીની ધરપકડ, મુખ્ય બુટલેગર હજુ પણ ફરાર

0
13
meetarticle

અમદાવાદ ગ્રામ્યના નળ સરોવર પોલીસ મથક હેઠળ આવતા ધરજી ગામે દારૂના દરોડા દરમિયાન પોલીસ ટીમ પર થયેલા હિંસક હુમલા મામલે તંત્રએ લાલ આંખ કરી છે. આ ઘટના બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી 17થી વધુ લોકોની ધરપકડ કરી છે, જોકે મુખ્ય બુટલેગર હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

60 પોલીસ જવાનો સાથે મેગા કોમ્બિંગ

મળતી માહિતી અનુસાર, ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ રૂરલ પોલીસ દ્વારા વિરમગામ ડિવિઝનમાં છેલ્લા બે દિવસથી સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. DySP તપનસિંહ ડોડિયાના માર્ગદર્શન હેઠળ અંદાજે 60 જેટલા પોલીસ કર્મચારીઓના કાફલાએ ધરજી ગામ અને આસપાસના વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન હુમલામાં સંડોવાયેલા અને પોલીસની ફરજમાં રુકાવટ ઊભી કરનાર 17થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.

ગામે મોટા પાયે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. જ્યારે પોલીસની ટીમ ત્યાં પહોંચી ત્યારે સ્થાનિક પઢાર જ્ઞાતિના લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. ઉશ્કેરાયેલા 100થી વધુ લોકોના ટોળાએ પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી તેને નીચે પાડી દીધા હતા અને રસ્તા પર દોડાવી-દોડાવીને માર માર્યો હતો. આ હિંસક ઘટના બાદ પોલીસે કડક વલણ અપનાવી 100થી વધુ શખ્સો સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો. વધુ આરોપીઓને શોધવા માટે હ્યુમન ઈન્ટેલિજન્સ અને સીસીટીવીની મદદ લેવામાં આવી રહી છે. 

કોઈ ખાસ ઈરાદો નહીં, માત્ર ઉશ્કેરાટ: DySP

આ મામલે DySP તપનસિંહ ડોડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ‘પ્રાથમિક પૂછપરછમાં કોઈ પૂર્વયોજિત કાવતરું કે ખાસ ઈરાદો જણાયો નથી. દરોડા દરમિયાન અચાનક ટોળું ભેગું થઈ ગયું હતું અને ઉશ્કેરાટમાં આ હુમલો થયો હતો. પકડાયેલા આરોપીઓ ગામના જ પઢાર જ્ઞાતિના લોકો છે અને તેમનો કોઈ અગાઉનો ગુનાહિત ઇતિહાસ નથી. જો કે, મુખ્ય બુટલેગર અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો છે, જેને પકડવા માટે વધુ તપાસ શરૂ છે.’

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here