પશ્ચિમ એશિયામાં ચાલી રહેલાં યુદ્ધને કારણે સર્જાયેલી ઈંધણની કટોકટીને ધ્યાનમાં લેતાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશમાં 100 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગનો અમલ કરવાની હાકલ કરી છે. ગડકરીએ જણાવ્યું હતું કે, યુદ્ધને પરિણામે ઓઈલની આયાતમાં સર્જાયેલી અનિશ્ચિતતાને દૂર કરી ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે ભારતે નજીકના ભવિષ્યમાં ઈંધણમાં 100 ટકા ઈથેનોલ ભેળવવા તરફ ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી બન્યું છે.

તેમણે વધુમાં જણાવ્યં હતું કે, આગામી વર્ષે 1 એપ્રિલથી અમલી બનનારાં કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ એફિસિયન્સી 3 સ્ટાન્ડર્ડ્સની ઈલેક્ટ્રિક અને ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો પર નજીવી અસર પડશે.
ઈન્ડિયન ફેડરેશન ઓફ ગ્રીન એનર્જી દ્વારા આયોજિત ગ્રીન ટ્રાન્સપોર્ટ કોન્ક્લેવને સંબોધતાં ગડકરીએ જણાવ્યું હતું કે, ભારતે નજીકના ભવિષ્યમાં 100 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલાં યુદ્ધને કારણે હાલ આપણે ઉર્જા સંકટનો સામનો કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2023માં 20 ટકા ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ લોન્ચ કર્યું હતું. હાલમાં ભારતીય વાહનો, કાટ અને અન્ય સમસ્યાઓ નિવારવા નજીવા ફેરફાર સાથે ઈ20 પેટ્રોલ પર ચાલી શકે છે. બ્રાઝિલ જેવા દેશોમાં પેટ્રોલમાં 100 ટકા ઈથેનોલ મિશ્રિત કરવામાં આવે છે. આપણે જીવાશ્મ ઈંધણની આયાત પાછળ રૂ.22 લાખ કરોડનો ખર્ચ કરીએ છીએ, જેનાથી પ્રદુષણ પણ વધે છે. ગ્રીન હાઈડ્રોજનને ભવિષ્યના ઈંધણ તરીકે ઓળખાવતાં ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, તેમણે નકામી વસ્તુઓમાંથી હાઈડ્રોજન ઉત્પાદિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મુક્યો હતો.

