જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના દેખાવો સમયે વિદ્યાર્થીઓ પર હિંસા કરનારા ખુલ્લેઆમ ફરી રહ્યા છે. વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા સગીરોને ડરાવવા, ધમકાવવામાં આવી રહ્યા હોવાના આરોપોને હળવાશથી લઈ શકાય નહીં તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. આ સાથે સીજેપીના દેખાવો સમયે ૧૭ મેટ્રો સ્ટેશનો બંધ રાખવા મુદ્દે પણ સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું હતું.
સીજેપીના દેખાવોમાં જોડાયેલી ૧૪ વર્ષની સગીરાએ તેને ડરાવવા-ધમકાવવામાં આવી હોવાના તથા તેના ઘરે પથ્થરો ફેંકાયા હોવાના આક્ષેપો કરતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી કરતા મુખ્ય ન્યાયાધીશના અધ્યક્ષપદે બનેલી બેન્ચે કહ્યું કે, સગીરાને ડરાવવા-ધમકાવવાના આરોપોને હળવાશથી લઈ શકાય નહીં.

ન્યાયાધીશો જોયમાલ્યા બાગચી અને વી. મોહનાને સમાવતી બેન્ચે એ બાબત પર ભાર મૂક્યો કે કોઈપણ વ્યક્તિને ગુનાઈત કાર્યવાહી આગળ વધતી રોકવા માટે પીડિત અથવા તેના પરિવારને ડરાવવા-ધમકાવવાની મંજૂરી આપી શકાય નહીં. આ સાથે બેન્ચે ઉત્તર પ્રદેશ અને દિલ્હી પાસે એફઆઈઆર, સગીરા અને તેના પરિવારની સુરક્ષાની વ્યવસ્થા તથા મારપીટ અને ડરાવવા-ધમકાવવાના કેસમાં કથિત રીતે સંડોવાયેલા લોકો વિરુદ્ધ કરાયેલી કાર્યવાહી અંગે મૌખિકરૂપે સ્ટેટસ રિપોર્ટ માગ્યો હતો. બેન્ચે સગીરાની એફઆઈઆર પર યોગ્ય કાર્યવાહી થાય અને તેને પર્યાપ્ત સુરક્ષા અપાય તે બાબત સુનિશ્ચિત કરવા સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું.
સીજેપીના દેખાવો સંબંધિત કેસોની સુનાવણી સમયે સુપ્રીમ કોર્ટ સામે એક વકીલે ૧૪ વર્ષની એક સગીરાનો ઉલ્લેખ કરી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, તાજેતરમાં જ એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી ડંફાસ મારી હતી કે તેણે સીજેપીના દેખાવોમાં ભાગ લેનારી સગીરાના પિતા પર હુમલો કર્યો હતો. આ વ્યક્તિ સામે પગલાં લેવાના બદલે પોલીસે સગીરા વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે, જે કોર્ટના આદેશ વિરુદ્ધ છે.
આ આરોપોને ગંભીરતાથી લેતા સીજેઆઈએ કહ્યું કે, આવા અસામાજિક તત્વો વિદ્યાર્થીઓ વિરુદ્ધ હિંસા કરે અને તેઓ ખુલ્લેઆમ ફરતા હોય તથા વિદ્યાર્થીઓને ડરાવતા-ધમકાવતા હોય તો આ એક ગંભીર બાબત છે. ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીએ કહ્યું કે, આવા તત્વો સામે તુરંત કાર્યવાહી કરવામાં આવે અને ઉત્તર પ્રદેશ પોલીસ પીડિત તથા તેના પરિવારને સંરક્ષણ આપે.

