NATIONAL : વાવાઝોડું ‘અકવાન’નો ખતરો! 20 નવેમ્બરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા, અનેક રાજ્યોમાં એલર્ટ

0
3
meetarticle

બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું ‘અકવાન’ હવે વધુ શક્તિશાળી બની રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું 20 નવેમ્બરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

120થી 145 કિમીની ઝડપે ફૂંકાશે પવન

હવામાન વિભાગની આગાહી મુજબ, વાવાઝોડું 19 નવેમ્બર સુધીમાં અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. 20 નવેમ્બરે જ્યારે તે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચશે ત્યારે પવનની ઝડપ 120થી 130 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જ્યારે પવનના ઝાપટા 145 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

આંધ્રપ્રદેશના કયા વિસ્તારોમાં વધુ જોખમ?

IMDના અનુમાન પ્રમાણે, વાવાઝોડું આંધ્રપ્રદેશના નેલ્લોર અને તુની વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. પ્રકાસમ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, કોનાસીમા અને કાકીનાડા જેવા જિલ્લાઓમાં દરિયાઈ પાણી ઘૂસી આવવાની આશંકા છે.

આ રાજ્યોમાં પણ ભારે વરસાદની આગાહી

વાવાઝોડાની અસર માત્ર આંધ્રપ્રદેશ પૂરતી મર્યાદિત નહીં રહે. ઓડિશાના દક્ષિણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં 18થી 21 નવેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. જ્યારે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી છે.

NDRF-SDRFની ટીમો તૈનાત કરવાની તૈયારી

વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશ સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ અધિકારીઓને સાવચેતીનાં પગલાં લેવા, NDRF અને SDRFની ટીમો તૈનાત કરવા તેમજ વીજળી અને રાહત વ્યવસ્થાઓ તૈયાર રાખવા સૂચના આપી છે.

લોકોને સાવચેત રહેવાની અપીલ

હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને જરૂર પડે ત્યારે સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે. વાવાઝોડાની દિશા અને તીવ્રતામાં ફેરફાર થઈ શકે છે, તેથી આગામી હવામાન અપડેટ પર નજર રાખવી જરૂરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here