બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન ફરી એકવાર ગેંગસ્ટરની ધમકી મળી છે. વિદેશમાં રહેતા ગેંગસ્ટર ગોલ્ડી ઢિલ્લોને સોશિયલ મીડિયા પોસ્ટ અને ઓડિયો સંદેશાઓ દ્વારા બંને કલાકારોને મારી નાખવાની ધમકી આપી છે. તેણે એમ પણ કહ્યું હતું કે અમિતાભ અને અભિષેક ગમે તેટલા બુલેટપ્રૂફ કેબિન બનાવે, તેમને ગોળી મારી દેવામાં આવશે. આ ધમકી બાદ મુંબઈ પોલીસ અને સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા બે કથિત શૂટર્સ વિકાસ ઠાકુર અને દીપક સિંહની ધરપકડ બાદ ગેંગસ્ટર ગોલ્ડી ઢિલ્લોનની પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.ગોલ્ડીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે તેના બે સાથીઓની ધરપકડથી ગેંગની પ્રવૃત્તિઓ અટકશે નહીં અને મુંબઈમાં ૨૦૦ અન્ય સાથીઓ હાજર છે. જોકે તેના દાવાની સ્વતંત્ર રીતે ચકાસણી થઈ નથી.
ગોલ્ડી ઢિલ્લોનની ધમકીએ અમિતાભ બચ્ચનને ઘેરી લેતા લગભગ ચાર દાયકા જૂના વિવાદને ફરીથી પ્રકાશમાં લાવ્યો છે.આ પોસ્ટમાં ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોનો પણ ઉલ્લેખ છે. તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દેશના ઘણા ભાગોમાં શીખ સમુદાય વિરુદ્ધ હિંસા ફાટી નીકળી હતી. આ સમય દરમિયાન, કેટલાક સંગઠનો દ્વારા અમિતાભ બચ્ચન પર કથિત રીતે ભડકાઉ સૂત્રોચ્ચાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જો કે અભિનેતાએ સતત આ આરોપોને નકારી કાઢયા છે.

અગાઉ અમિતાભ બચ્ચને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ૧૯૮૪ની હિંસામાં તેમની કોઈ ભૂમિકા નથી અને તેમણે ક્યારેય શીખ સમુદાય વિરુદ્ધ હિંસા ભડકાવી નથી. તે સમયે કેટલાક શીખ સંગઠનોએ પણ તેમના દાવાઓનો વિરોધ કર્યો હતો. આથી આ વિવાદ નવો નથી તેના મૂળ જૂના આરોપો અને તેમના ખંડનમાં છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પકડેલા કથિત બે શૂટર્સની ધરપકડ કર્યાના થોડા દિવસો પછી આ ધમકીઓ આપવામાં આવી છે.તેમના પર તપાસકર્તાઓને શંકા છે કે તેઓ અમિતાભ બચ્ચનના મુંબઈ સ્થિત નિવાસસ્થાન જલસાની બહાર ગોળીબાર કરવાનું કાવતરું ઘડવામાં સામેલ હતા. આ ધરપકડથી તપાસકર્તાઓને ખંડણીના પ્રયાસના ભાગ રૂપે દિલ્હી સ્થિત એક ઉદ્યોગપતિને ગોળીબાર કરવાના અલગ કાવતરાનો પર્દાફાશ કરવામાં મદદ મળી હોવાનું પણ માનવામાં આવે છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં ઢિલ્લોને ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોનો ઉલ્લેખ કરતા કહ્યું કે હિંસા માટે જવાબદાર લોકોને ક્યારેય માફ કરવામાં આવશે નહીં. તેણે એવો પણ દાવો કર્યો હતો કે શીખ સમુદાય વિરુદ્ધ નિવેદનો આપનારા લોકો ભલે તેઓ દુનિયામાં ગમે ત્યાં હોય તેમને છોડવામાં આવશે નહીં. પોસ્ટમાં ખાસ કરીને અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.તેમજ ધમકી આપવામાં આવી હતી કે ગમે તેટલી સુરક્ષા વ્યવસ્થા હોય, તેઓ ગમે તેટલા બુલેટપ્રૂફ કેબિન બનાવે, તેમને ગોળી મારી દેવામાં આવશે, એવો પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે બે શૂટર્સ પંજાબના જલંધરના રહેવાસી વિકાસ ઠાકુર ઉર્ફે વિકી અને પંજાબના તરનતારનના રહેવાસી દીપક સિંહ ઉર્ફે દીપની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ બંને આરોપી દિલ્હી સ્થિત એક ઉદ્યોગપતિ અને અમિતાભ બચ્ચન પર હુમલો કરવા માટેના કાવતરામાં સામેલ હતા.
વિકાસ ઠાકુરને દિલ્હીમાં ઉદ્યોગપતિ પર ગોળીબાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હોવાનો આરોપ છે. તે ઓપરેશન માટે મુંબઈથી આવ્યો હતો.જ્યારે દીપક સિંહ પછીથી તેની સાથે જોડાવાનો હતો. છેલ્લા મહિનામાં ત્રણ અલગ-અલગ બોમ્બ ધમકીવાળા ઈમેલમાં અમિતાભ બચ્ચનના મુંબઈ સ્થિત નિવાસસ્થાન જલસાનો ઉલ્લેખ હતો.
અમિતાભ બચ્ચન મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાનની બહાર ચાહકો સાથે સાપ્તાહિક વાતચીત કરતા હતા ત્યારે પણ સુરક્ષા વ્યવસ્થામાં વધારો જોવા મળ્યો હતો. અભિનેતા જલસાની બહાર તેમના નિયમિત રવિવારના અભિવાદન દરમિયાન બુલેટપ્રૂફ કાચ પાછળ દેખાયા હતા.

