અક્ષય તૃતીયાએ 23 વર્ષ બાદ શુક્ર-ચંદ્ર અને રોહિણી નક્ષત્રનો યોગ, ગુરુ પોતાની નીચ રાશિ મકરમાં રહેશે

0
6

રવિવાર, 26 એપ્રિલે વૈશાખ મહિનાની તીજ તિથિ છે. જેને અખાત્રીજ કે અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. આ વર્ષે અખાત્રીજે સ્વરાશિ શુક્ર સાથે ચંદ્ર અને રોહિણી નક્ષત્રનો યોગ છે. આ યોગ લાભદાયી રહેશે. રોહિણી નક્ષત્રના સ્વામી ચંદ્રદેવ છે. આ વર્ષે અક્ષય તૃતીયાએ શુક્ર-ચંદ્રની યુતિ વૃષભ રાશિમાં રહેશે. વૃષભ શુક્રની રાશિ છે અને ચંદ્રની ઉચ્ચ રાશિ છે. આ દિવસે નક્ષત્ર પણ રોહિણી રહેશે. આ યોગ 23 વર્ષ બાદ બની રહ્યો છે. 9 મે 1997ના રોજ અખાત્રીજે આવો જ યોગ બન્યો હતો. તે સમયે ગુરુ પણ નીચ એટલે મકર રાશિમાં હતો. આ તિથિએ દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે.

રોહિણી નક્ષત્રમાં અક્ષય તૃતીયા શુભ રહેશે.

અક્ષય તૃતીયાએ રોહિણી નક્ષત્ર ન હોય તો ખરાબ શક્તિઓનું બળ વધે છે. પરંતુ આ વર્ષે અક્ષય તૃતીયાએ રોહિણી નક્ષત્ર રહેશે. આ નક્ષત્રમાં ચંદ્ર વૃષભ રાશિમાં રહે છે. વૃષભ ચંદ્રની ઉચ્ચ રાશિ છે. ચંદ્ર વનસ્પતિઓનો સ્વામી હોવાની સાથે ધન અને મનનો દેવતા પણ છે. અક્ષય તૃતીયાએ રોહિણી નક્ષત્ર હોવાથી દેશ અને વિશ્વ માટે આવનાર સમય સુખદાયક રહેવાના યોગ છે. વિશ્વભરમાં ફેલાયેલી મહામારીનો પ્રકોપ ઓછો થવા લાગશે. આ દિવસે શનિ પણ પોતાની રાશિ મકરમાં રહેશે. સૂર્ય અને મંગળ ઉચ્ચના રહેશે. ગુરુ નીચ રાશિમાં રહેશે.

અખાત્રીજને સ્વયં સિદ્ધ મુહૂર્ત કહેવામાં આવે છે.

હિંદુ પંચાંગમાં ચાર સ્વયં સિદ્ધ મુહૂર્ત ઉલ્લેખવામાં આવ્યાં છે. દેવઉઠની એકાદશી, વસંત પંચમી અને ભડલી નોમ સાથે અખાત્રીજને પણ વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. અક્ષયનો અર્થ જે ક્યારેય નષ્ટ થાય નહીં, સ્થાયી રહે. આ તિથિએ પરશુરામજીનો જન્મ થયો હતો. પરશુરામજી ચિરંજીવી છે. તેમનું આયુષ્ય ક્યારેય ક્ષય થશે નહીં, જેથી આ તિથિને ચિરંજીવી તિથિ પણ કહેવામાં આવે છે. ત્રેતાયુગની શરૂઆત પણ આ તિથિથી થઇ હતી, જેથી આ દિવસને યુગાદિતિથિ પણ કહેવામાં આવે છે. ચારેય ધામમાંથી એક બદ્રીનાથ ધામના કપાટ પણ આ દિવસે ખુલે છે, પરંતુ કોરોનાવાઇરસના કારણે બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તારીખ આગળ વધારી દીધી છે. આ દિવસે કરેલું દાન, પૂજન, હવન અને આપવામાં આવતી દક્ષિણાનું ફળ અક્ષય રહે છે. ભગવાન નર-નારાયણ, હયગ્રીવનો જન્મ પણ આ તિથિએ થયો હતો. સ્વયં સિદ્ધ મુહૂર્ત હોવાના કારણે આ દિવસે શુભ કામ શરૂ કરવું ખૂબ જ સારું મનાય છે.

આ તિથિએ દાન અવશ્ય કરવું જોઇએ.

અક્ષય તૃતીયાએ કરેલાં દાનનું અક્ષય પુણ્ય મળે છે. આ દિવસે જવ, ઘઉં, ચણા, દહીં, ચોખા, ફળનો રસ, દૂધથી બનેલી મીઠાઈ, સોનું અને જળથી ભરેલો કળશ, અનાજ વગેરે વસ્તુઓનું દાન કરવું જોઇએ. હાલ ગરમીનો સમય છે, એવામાં છત્રી અને બૂટ-ચપ્પલનું દાન પણ કરવું જોઇએ. આ દિવસે પતિૃઓ માટે વિશેષ પૂજા-પાઠ કરવા જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here