ARTICLE : “નર-નારાયણથી કુરુક્ષેત્ર સુધી” “અર્જુન” અને “શ્રીકૃષ્ણના” અતૂટ સંબંધ અને પૂર્વજન્મની રહસ્યગાથા

0
9
meetarticle

મહાભારત એ માત્ર એક યુદ્ધની કથા નથી, પરંતુ આત્મા અને પરમાત્માના મિલનની ગાથા છે. આ ગાથાના કેન્દ્રમાં બે પાત્રો છે શ્રીકૃષ્ણ અને અર્જુન. આ બંને વચ્ચેનો સંબંધ માત્ર મિત્રતાનો નહોતો, પરંતુ યુગો જૂના બંધનનો હતો.
પૂર્વજન્મનું રહસ્ય: નર અને નારાયણ ઋષિ
અર્જુન અને શ્રીકૃષ્ણના સંબંધના મૂળ સત્યયુગમાં રહેલા છે. પૌરાણિક કથાઓ મુજબ,
નર અને નારાયણ ઋષિ
સત્યયુગમાં, ભગવાન વિષ્ણુએ ધર્મના ઘરે બે પુત્રો તરીકે અવતાર લીધો હતો – નર અને નારાયણ.તેઓ બદ્રીનાથ (બદરિકાશ્રમ) માં હજારો વર્ષો સુધી કઠોર તપસ્યા કરતા હતા.
નર (જે આગળ જતાં અર્જુન બન્યા) એ જીવાત્માનું પ્રતીક છે.
નારાયણ (જે આગળ જતાં શ્રીકૃષ્ણ બન્યા) એ પરમાત્માનું પ્રતીક છે.
સહસ્ત્રકવચનો વધ
(દંભોદભવની કથા)
એક પૌરાણિક કથા મુજબ, ‘સહસ્ત્રકવચ’ નામનો એક અસુર હતો જેની પાસે ૧૦૦૦ સુરક્ષા કવચ હતા. તેને હરાવવા માટે નર અને નારાયણે વારાફરતી યુદ્ધ કર્યું હતું.
જ્યારે નારાયણ યુદ્ધ કરતા, ત્યારે નર તપસ્યા કરતા.
એક કવચ તોડવા માટે ૧૦૦૦ વર્ષની તપસ્યા અને ૧૦૦૦ વર્ષનું યુદ્ધ જરૂરી હતું.આ રીતે ૯૯૯ કવચ તૂટી ગયા. છેલ્લું કવચ લઈને તે અસુર સૂર્યદેવના શરણમાં ગયો અને પછીના જન્મમાં તે કર્ણ તરીકે જન્મ્યો. તે છેલ્લા કવચનો નાશ કરવા માટે જ નર (અર્જુન) અને નારાયણ (કૃષ્ણ) એ ફરી જન્મ લીધો હતો.
ઈન્દ્રના પુત્ર તરીકે
અર્જુનને પાંડુપુત્ર કહેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે કુંતી અને દેવરાજ ઈન્દ્રના પુત્ર હતા.
ઈન્દ્ર પોતે શક્તિ અને યુદ્ધના દેવ છે.પૂર્વજન્મમાં પણ અર્જુન (નર ઋષિ) ના તપોબળથી દેવતાઓ પણ થથરતા હતા.
શિવજી સાથેનો સંબંધ
કહેવાય છે કે પૂર્વજન્મમાં નર ઋષિએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પણ તપસ્યા કરી હતી. આ જ કારણ હતું કે મહાભારત દરમિયાન જ્યારે અર્જુન ‘પાશુપતાસ્ત્ર’ લેવા ગયા, ત્યારે શિવજીએ કિરાત વેશે આવીને તેમની પરીક્ષા લીધી અને તેમને ઓળખી કાઢ્યા કે આ તેમનો જૂનો ભક્ત ‘નર’ જ છે.
મહાભારતના વિશાળ ફલક પર અર્જુન જ કેમ સૌથી મહત્વનો યોદ્ધા હતો?
શ્રીકૃષ્ણ પોતે યુદ્ધ લડીને અધર્મનો નાશ કરી શકતા હતા, પરંતુ તેમણે અર્જુનને ‘નિમિત્ત’ બનાવ્યો. અર્જુન એ દરેક સામાન્ય મનુષ્યનું પ્રતિનિધિત્વ કરે છે જે મુશ્કેલીના સમયે ડરી જાય છે. દ્રોણાચાર્યના બધા શિષ્યોમાં માત્ર અર્જુન જ એવો હતો જેનું લક્ષ્ય પક્ષીની આંખ પર સ્થિર હતું. તેની આ એકાગ્રતા જ તેને દિવ્યાસ્ત્રો મેળવવા માટે યોગ્ય બનાવતી હતી.અર્જુન પાસે બળ હોવા છતાં તેનામાં નમ્રતા હતી. જ્યારે તે કુરુક્ષેત્રમાં મૂંઝાયો, ત્યારે તેણે અહંકાર છોડીને કૃષ્ણને ગુરુ માન્યા, જેના પરિણામે જગતને ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ જેવું અમૃત મળ્યું. શ્રીકૃષ્ણ માટે અર્જુન માત્ર એક પિતરાઈ ભાઈ કે શિષ્ય નહોતો, પણ તેમનો આત્મા હતો. કૃષ્ણે અનેક રાજાઓને મદદ કરી, પણ રથના સારથિ માત્ર અર્જુનના જ બન્યા. આ દર્શાવે છે કે ભગવાન પોતાના પ્રિય ભક્તની સેવા કરવામાં પણ ગૌરવ અનુભવે છે.
અર્જુનના રથ પર કૃષ્ણનું બેસવું અને ધજા પર હનુમાનજીનું હોવું એ સૂચવે છે કે જ્યાં જ્ઞાન (કૃષ્ણ), ભક્તિ (હનુમાન) અને કર્મ (અર્જુન) ભેગા થાય છે, ત્યાં વિજય નિશ્ચિત છે.
કૃષ્ણે ડગલે ને પગલે અર્જુનનું રક્ષણ કર્યું અને તેને ગર્વમાંથી મુક્ત કર્યો. રથ પાછળ ધકેલાવાની ઘટના હોય કે જયદ્રથના વધ સમયે સૂર્યાસ્તનું માયાજાળ, કૃષ્ણે અર્જુનને પડછાયાની જેમ સાથ આપ્યો.
અર્જુન અને કૃષ્ણની જોડી એ સંદેશ આપે છે કે જો મનુષ્ય (નર) ભગવાન (નારાયણ) ના શરણમાં જઈને પોતાનું કર્મ કરે, તો તે ગમે તેવા અશક્ય લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે. અર્જુનનું મહત્વ એટલે છે કારણ કે તે આપણને શીખવે છે કે વિજય માત્ર શસ્ત્રોથી નહીં, પણ શુદ્ધ હૃદય અને ઈશ્વર પરના અતૂટ વિશ્વાસથી મળે છે.

દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here