અમદાવાદ મ્યુનિસિપલ.ના બજેટનું કદ 18,518 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. છતાં પ્રાથમિક સુવિધા માટે લોકોએ બૂમો પાડવી પડે છે. ત્યારે આ પૈસા કેવી રીતે અને ક્યાં વપરાય છે? તેવો સવાલ થવો સ્વાભાવિક છે. તો તેનો જવાબ 27મી ફેબ્રુઆરીના રોજ સ્થાયી સમિતિમાં મંજૂર થયેલી એક વધુ એક દરખાસ્તમાંથી મળે છે. 12મી જૂન 2025ના રોજ થયેલી વિમાન દુર્ઘટના વખતે મ્યુનિસિપલના સ્ટાફે કરેલા ચા-નાસ્તા પેટે 16.74 લાખ રૂપિયાના બિલની દરખાસ્ત મંજૂર થઈ છે.

પાણીની બોટલ, દૂધ અને બિસ્કિટની વ્યવસ્થા કરી સેવાભાવી સંસ્થાઓને પણ વિતરણ કરાયાનો દાવો
અમદાવાદમાં 12મી જૂન, 2025ના રોજ વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાના પગલે મ્યુનિસિપલના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી હતી. આ સ્ટાફ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ માટે ચા-નાસ્તો, પાણીની બોટલ, અમૂલ દૂધ, બિસ્કિટની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઘટનાના આઠ મહિના પછી છેક 27મી ફેબ્રુઆરીના રોજ સ્થાયી સમિતિમાં આ અંગેનો 16.74 લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર કરાયો છે. વિલંબ થવા માટે એવું કારણ આપવામાં આવ્યું છે કે, સંતોષકારક કામગીરી અંગેનું ફૂડ સેફ્ટી ઓફિસરનું પ્રમાણપત્ર લેવાનું હતું! બીજી તરફ ચા-નાસ્તા, પાણી, દૂધ, બિસ્કિટ માટે ખર્ચાયેલી આ રકમનો આંકડો પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
