મુંબઈ ઝવેરીબજારમાં શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોનાના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. ચાંદીના ભાવ જોકે ઘટતા અટકી પ્રત્યાઘાતી સુધારા પર રહ્યા હતા. વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ જોવા મળ્યું હતું.
વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંસદીઠ ૪૦૨૪થી ૪૦૨૫ ડોલરવાળા ઘટી ૪૦૦૦ની અંદર ઉતરી છેલ્લે સપ્તાહના અંતે ભાવ ૩૯૯૬થી ૩૯૯૭ ડોલર રહ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ નીચામાં ૧૦૧.૪૫ થયા પછી ઉંચામાં ઈન્ડેક્સ ૧૦૧.૮૫ થઈ ૧૦૧.૭૫ રહ્યાના સમાચાર હતા.
વિશ્વબજારમાં ક્રૂડના ભાવ ઉછળતાં અમેરિકામાં ફુગાવો વધ્યો છે તથા ત્યાં હવે આગળ ઉપર વ્યાજના દરમાં વધુ વૃધ્ધિ થવાની શક્યતા વચ્ચે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચકાયો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ વધુ રૂ.૧૦૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૪૫૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૫૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના ઘટતા અટકી રૂ.૧૯૮૦૦૦ના મથાળે જળવાઈ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશના ૫૩.૮૯ વાળા છેલ્લે ૫૩.૯૦થી ૫૩.૯૧ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે જીએસટી વગર ચાંદીના ભાવ રૂ.૧૯૪૪૧૫ વાળા રૂ.૧૯૬૦૦૦ રહ્યા હતા જ્યારે મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર વધુ રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૪૦૬૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૧૨૦૦ રહ્યા હતા જ્યારે મુંબઈ સોના- ચાંદીમાંજીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં આ સપ્તાહમાં સોનાના ભાવ આશરે ૪ ટકા તૂટતાં છેલ્લાં ૪ મહિનાનો સૌથી નબળો સપ્તાહ જોવા મળ્યો હતો.

વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૫૬૭થી ૧૫૬૮ વાળા નીચામા ંભાવ ૧૫૪૨ થઈ છેલ્લે ૧૫૫૩થી ૧૫૫૪ ડોલર રહ્યા હતા. પેલેડીમના ભાવ ૧૦૫૨થી ૧૦૫૩ વાળા છેલ્લે ૧૦૪૭થી ૧૦૪૮ ડોલર રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં બંધ બજારે ડોલરના ભાવ રૂ.૯૪.૯૪ વાળા ૯૫.૦૧ બોલાતા હતા. વિશ્વબજારમાં કોપરના ભાવ છેલ્લે ૧.૭૧ ટકા પ્લસમાં રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ વધી છ મહિનાની ટોચે પહોંચ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૧૧૭.૪૫ થઈ ૧૧૬.૭૨ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૧૦૩.૯૨ થઈ ૧૦૩.૨૭ ડોલર રહ્યા હતા. ઈરાન પ્રેરીત હાઉથી જૂથો તથા સાઉદી અરેબીયા વચ્ચે ઘર્ષણ વધતાં હોર્મુઝ રુટ પર જહાજો પર હુમલાઓ વધતાં ક્રૂડ બજારમાં ફરી તેજી આવી હોવાનું તથા ભાવ વધી ૧૨૦ ડોલર ઉપર પહોંચવાની ગણતરી બજારના જાણકારો દર્શાવી રહ્યા હતા.
દરમિયાન, અમેરિકામાં બેરોજગારીના દાવા જોબલેસ કલેઈમ્સ ૬૦૦૦ ઘટી ૧૯૪૦૦૦ આવતા ત્યાં જોબ માર્કેટમાં મજબુતાઈ દેખાયાના વાવડ હતા. આવા બેરોજગારીના દાવા ઘટી ત્યાં ૬૦ વર્ષના તળીયે ઉતરી ગયા હોવાનું વિશ્વબજારના જાણકારો જણાવી રહ્યા હતા.

