કલેરિટી એકટને આગળ ધપાવવામાં અમેરિકન સેનેટ નિષ્ફળ રહેતા ક્રિપ્ટો કરન્સીઝ બજાર પર તેની અસર જોવા મળી હતી અને મુખ્ય ક્રિપ્ટો બિટકોઈન છેલ્લા ચોવીસ કલાકમાં નીચામાં ૭૪૯૮૪ ડોલર સુધી જોવાયો હતો. ફેડરલ રિઝર્વના વ્યાજ દર અંગે નિર્ણય પર પણ બજારની નજર રહેલી છે.
ક્રિપ્ટો એકસચેન્જોએ એકંદર ૫૭ કરોડ ડોલરની લોન્ગ પોઝિશન લિક્વિડેટ કરી નાખી હતી. જે ૨૨ ઓગસ્ટ બાદ સૌથી ઊંચી રહી છે.
બિટકોઈન ઉપરાંત અન્ય ક્રિપ્ટોસ એકસઆરબી, બીનાન્સ, એથરમ સહિતની ક્રિપ્ટોસમાં મોટું કરેકશન આવ્યું હતું. કલેરિટી એકટ આગળ ધપી શકશે તેવી ધારણાંએ ગયા સપ્તાહમાં ક્રિપ્ટોસ માર્કેટને બળ મળ્યુ હતું અને બિટકોઈન એક સમયે ૮૦,૦૦૦ ડોલરને પાર કરી ગયો હતો.

અમેરિકામાં ટ્રેઝરી ડેબ્ટના બાયબેકની જાહેરાત તથા પ્રમુખ ટ્રમ્પે કલેરિટી એકટને આગળ વધારવા કોંગ્રેસને કરેલી હાકલ જેવા પોઝિટિવ પરિબળોના ટેકા સાથે ઓગસ્ટના બીજા પખવાડિયાથી બિટકોઈન સહિતની ક્રિપ્ટોકરન્સીઝમાં રેલી જોવા મળી હતી.
કલેરિટી એકટ ક્રિપ્ટોકરન્સીઝ ક્ષેત્ર માટે સાનુકૂળ બની રહેવાની ધારણાં રાખવામાં આવી રહી છે, જો કે તેને આગળ ધપાવવા માટે સેનેટમાં પૂરતા મત પ્રાપ્ત નહીં થતા એકટને હાલમાં બ્રેક લાગી છે, એમ બજારના વર્તુળોએ જણાવ્યું હતું.
કલેરિટી એકટ ઉપરાંત અમેરિકામાં વ્યાજ દરમાં વધારો થવાની શકયતા વધી જતા તેને કારણે પણ ક્રિપ્ટો કરન્સીઝ જેવી જોખમી એસેટસમાંથી રોકાણકારોની પીછેહઠ જોવા મળી રહી છે.

