ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (બેન્ક) એફસીએનઆર-બી ડીપોઝિટ સ્કીમને મળેલા અનપેક્ષિત પ્રતિસાદ બાદ બેન્કોમાં લિક્વિડિટીમાં વધારો થતાં બેન્કો માટે ભંડોળ મેળવવા પાછળના ખર્ચમાં અડધા ટકા જેટલો ઘટાડો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
ધિરાણ માગને પહોંચી વળવા બેન્કોએ સર્ટિફિકેકટ ઓફ ડીપોઝિટસ (સીડી) પર હવે બહુ નિર્ભર રહેવુ નહીં પડે એમ એેક બેન્કરે જણાવ્યું હતું.
પોતાની ટૂંકા ગાળાની જરૂરિયાત માટે બેન્કો સીડી જારી કરી નાણાં ઊભા કરતી હોય છે. સીડી મારફતનું ભંડોળ સામાન્ય રીતે ખર્ચાળ સાબિત થતું હોય છે. ઓગસ્ટમાં સીડી જારી કરવાની માત્રા ઘટી રૂપિયા ૬૮૧૩૦ કરોડ રહી હતી જે જાન્યુઆરીમાં રૂપિયા ૯૯૪૩૫ કરોડ હતી.

મેમાં સીડી જારી કરવાની માત્રા રૂપિયા ૧.૧૧ ટ્રિલિયન, જૂનમાં રૂપિયા ૧.૮૦ ટ્રિલિયન જ્યારે જુલાઈમાં રૂપિયા ૯૫૯૪૫ કરોડ રહી હતી.
રિઝર્વ બેન્કે જૂનમાં જ્યારથી એફસીએનઆર-બી સ્કીમ જાહેર કરી હતી ત્યારથી સીડીના દરમાં ઘટાડો થયો છે. જૂનમાં ત્રણ મહિનાની મુદતના સીડીનો દર જે ૭.૨૫ ટકા હતો તે સપ્ટેમ્બરમાં ઘટી ૫.૮૫ ટકા પર આવી ગયો હતો. છ થી એક વર્ષની મુદત માટેના સીડીના દરમાં પણ ઘટાડો થયો છે.
તાજેતરમાં બેન્કિંગ વ્યવસ્થામાં થાપણ વૃદ્ધિની સરખામણીએ ધિરાણ વૃદ્ધિ ઊંચી રહેતા બેન્કોએ ધિરાણ માગને પહોંચી વળવા સીડી સહિતના વિવિધ માર્ગો મારફત નાણાં ઊભા કરવાની ફરજ પડી હતી. જો કે એફસીએનઆર-બી સ્કીમ બાદ સ્થિતિ બદલાઈ છે અને બેન્કોમાં લિક્વિડિટીમાં નોંધપાત્ર વધારો થયો છે.
લિક્વિડિટીને ધ્યાનમાં રાખતા બેન્ક ધિરાણ દરમાં ઘટાડો જોવા મળવાની શકયતા નકારાતી નથી.

