મુંબઈ: વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેર બજારે આજે બુધવારે ઉછાળા સાથે કારોબાર શરુ કર્યો, બોમ્બે સ્ટોક્સ એકચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 358 પોઈન્ટના વધારા સાથે 77,245 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 101 પોઈન્ટના વધારા સાથે 24,096 પર ખુલ્યો.
શરૂઆતના કારોબારમાં બેંકિંગ અને ઓટો સેક્ટરમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. બંધન બેંકના શેરમાં આજે મોટો ઉછાળો નોંધાયો, કેમ કે બેંકનો નફો 68% વધીને ₹534.1 કરોડ થયો છે. વધુમાં, CEAT ના શેરમાં પણ મોટો ઉછાળો નોંધાયો, કેમ કે કંપનીનો નફો 145% વધીને ₹243.85 કરોડ થયો છે.

વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ:
આજે બુધવારે શરૂઆતના કારોબારમાં એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. દક્ષિણ કોરિયાનાં કોસ્પી 0.39%નો ઘટાડો નોંધાયો, જ્યારે કોસ્ડેક ઇન્ડેક્સ સ્થિર રહ્યો.
ગઈ કાલે મંગળવારે યુએસ બજારો ઘટાડા સાથે બંધ થયા. નાસ્ડેક કમ્પોઝિટમાં છેલ્લા એક મહિનામાં સૌથી મોટો ઘટાડો નોંધાયો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 25.86 પોઈન્ટ (0.05%)ના ઘટાડા સાથે 49,141.93 પર બંધ થયો, જ્યારે S&P 500 35.11 પોઈન્ટ(0.49%)ના ઘટાડા સાથે 7,138.80 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 223.30 પોઈન્ટ (0.90%)ના ઘટાડા સાથે 24,663.80 પર બંધ થયો.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મામલે યુએસ અને ઈરાન વચ્ચે તણાવ યથાવત છે. દરમિયાન, UAE એ OPEC માંથી ખસી જવાની જાહેરાત કરતા ઓઈલ માર્કેટ વધુ અસ્થિર બન્યું છે. બ્રેન્ટ ક્રૂડ $111 પ્રતિ બેરલથી ઉપર પહોંચ્યો છે, જ્યારે WTI પણ $100 થી ઉપર પહોંચ્યો છે.
