દેશના પ્રાઈમરી-આઈપીઓ માર્કેટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અનેક કંપનીઓના પ્રમોટરો, બુક રનીંગ લીડ મેનજરો-મર્ચન્ટ બેંકરો રોકડી કરી લેવાની દોટ મૂકી છે. આ પ્રાઈમરી માર્કેટની બૂમમાં રોકાણકારોને તાણી લાવવા અપનાવાઈ રહેલા અનેક હથકંડા પૈકી ફેક ગ્રે માર્કેટ પ્રીમિયમ, કંપનીઓ વિશે રોકાણકારોને આંજી નાખે એવા કંપનીઓ વિશેના વાસ્તવિકતાથી વિપરીત ગેરમાર્ગે દોરનારા રોઝી-ફુલગુલાબી અહેવાલો-રિપોર્ટનો પ્રચાર-પ્રસાર કરી રિટેલ રોકાણકારોને ઈસ્યુઓ ભરવા લલચાવી મૂકવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ જોવાયું છે. રિટેલ રોકાણકારો ભરાઈ પડયા હોવાના સ્પષ્ટ પૂરાવા હવે સામે આવવા લાગ્યા છે. વળતરમાં રોકાણકારોને નાહી નાખવું પડે એવી નિરાશા હાથ લાગી છે.
બીએસઈ અને એનએસઈના એસએમઈ પ્લેટફોર્મ પર અસંખ્ય એસએમઈ આઈપીઓ લાવીને પ્રમોટરોએ અબજો રૂપિયા ઉઘરાવી લીધા અને રોકાણકારોને શેરો પધરાવી દીધા છે. ભારતના સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈસીઝ (એસએમઈ)ના આઈપીઓનું પ્રદર્શન નોંધપાત્ર નબળું રહ્યું છે. આ વર્ષે નોંધાયેલા મોટાભાગના એસએમઈ આઈપીઓ તેમના ઈસ્યુ ભાવથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે અને મધ્યમ-મીડિયન વળતર પણ નકારાત્મક રહ્યું છે. આ સ્થિતિ એવી છે જ્યારે સપ્ટેમ્બર મહિનો એસએમઈ આઈપીઓ માટે અત્યંત વ્યસ્ત રહ્યો હતો.
આ વર્ષે અત્યાર સુધીમાં ૧૬૧ એસએમઈ આઈપીઓ શેરબજારમાં લિસ્ટ થયા છે, જેમાંથી કુલ રૂ.૭૧૭૧ કરોડ જેટલું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. જો કે, તેમાંથી ૮૧ આઈપીઓ હાલમાં તેમના ઈસ્યુ ભાવથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે. ખાસ કરીને ૨૪ આઈપીઓમાં ૫૦ ટકા કે તેથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન લિસ્ટ થયેલા એસએમઆઈ આઈપીઓનું મધ્યમ વળતર ૫, ઓકટોબર સુધીમાં માઈનસ ૦.૭ ટકા રહ્યું હતું. આ સમયગાળામાં લિસ્ટ થયેલા એસએમઈ આઈપીઓમાંથી ૫૨ ટકા શેર તેમના ઈસ્યુ ભાવથી નીચે ટ્રેડ થઈ રહ્યા હતા.

વર્ષના પ્રથમ છ મહિનામાં પણ સ્થિતિ બહુ અલગ નહોતી. જાન્યુઆરીથી જૂન દરમિયાન લિસ્ટ થયેલા ૭૬ એસએમઈ આઈપીઓમાંથી ૪૯ ટકા આઈપીઓ તેમના ઓફર પ્રાઈસથી નીચે ટ્રેડ થઈ રહ્યા હતા. આ આઈપીઓનું મીડિયન વળતર ૦.૯ ટકા રહ્યું હતું.
છેલ્લા એક વર્ષ દરમિયાન નિફટી એસએમઈ ઈમર્જ ઈન્ડેક્સમાં ૨.૬૩ ટકાનો ઘટાડો થયો છે, જેની સામે નિફટી આઈપીઓ ઈન્ડેક્સમાં ૧૦.૫ ટકાનો વધારો નોંધાયો છે. નિફટી એસએમઈ ઈમર્જ ઈન્ડેક્સમાં કુલ ૫૩૯ શેર સામેલ છે.
નિષ્ણાતો-સમીક્ષકોનું કહેવું છે કે, નાના કદની કંપનીઓમાં કેટલીક સારા વેલ્યુએશન સાથે મૂડી બજારમાં પ્રવેશે છે, પરંતુ ઈસ્યુ ભાવથી અનેક શેરો નીચા ટ્રેડ થવા લાગ્યા હોઈ ઘણી કંપનીઓમાં વેલ્યુએશન અને આઈપીઓ ભાવ નિર્ધારણ શંકા ઉપજાવે છે.
કંપનીઓના આઈપીઓ ભાવ નિર્ધારણ અને વાસ્તવિક બજાર ભાવને જોતાં કૃત્રિમ ભાવ નિર્ધારણ થયું હોવાની પણ શંકા જાય છે. આ સાથે ગ્રે માર્કેટ પ્રીમિયમ માર્કેટમાં અવાસ્તવિક ઊંચા પ્રીમિયમ બોલાવીને રોકાણકારોને ભોરમાવી ઈસ્યુઓ ભરાવી તો દેવાયા હોય, પરંતુ વાસ્તવિક વેલ્યુએશન હવે ઈસ્યુ ભાવથી અનેક કંપનીઓના શેરોના ભાવો નીચા આવી ગયા હોવાનું જોવાઈ રહ્યું છે, ત્યારે એસએમઆઈ આઈપીઓ સેગ્મેન્ટમાં મોટાપાયે પોલમપોલ હોવાની પણ શંકા પ્રબળ બની રહી છે.

