કેશ સ્કેમ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે તેમના વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
મળતી માહિતી મુજબ કુલ 146 સભ્યોએ આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં શાસક પક્ષ અને વિપક્ષ બંનેના નેતાઓનો સમાવેશ થાય છે. લોકસભા સ્પીકરે એક તપાસ સમિતિની પણ રચના કરી છે. આ સમિતિમાં સમાવિષ્ટ ન્યાયાધીશોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે.
સમિતિમાં કોણ ?
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ રચેલી તપાસ સમિતિમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના એક-એક ન્યાયાધીશનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સમિતિમાં એક કાનૂની નિષ્ણાંતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તપાસ સમિતિનો રિપોર્ટ આવે ત્યાં સુધી મહાભિયોગ પ્રસ્તાવ પેન્ડિંગ રહેશે. સમિતિ વિશે વાત કરીએ તો તેમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદ કુમાર, કર્ણાટક હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ બીબી આચાર્ય અને મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ મણીન્દ્ર મોહન શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે.


