દિવસેને દિવસે હત્યાની ઘટનાઓ બનતી જાય છે. તેમાય ઉત્તરપ્રદેશના આગ્રામાં એક એવો હત્યાકાંડ સામે આવ્યો છે. જે સાંભળીને તમારા રુંવાટા ઊંભા થઈ જશે. આગરાના સિકંદરામાં એક પત્નીએ પોતાના પતિની હત્યા કરીને જે રીતે લાશને ઠેકાણે લગાડી, તે સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. રૂબી નામની મહિલાએ પતિ સુરેન્દ્રને ખીરમાં ઊંઘની ગોળીઓ આપીને મારી નાખ્યા અને લાશને ઘરના બાથરૂમના ફ્લોર નીચે દાટી દીધી. લગભગ 46 દિવસ સુધી તે આ જ બાથરૂમમાં નહાતી રહી. પોલીસની તપાસમાં જ્યારે આ રહસ્ય ખુલ્યું, ત્યારે ફિલ્મ દ્રશ્યમ જેવો ભયાનક ખેલ સામે આવ્યો છે.

પ્રેમ અને વિશ્વાસના નામે ખતરનાક કાવતરું
આગરાના સિકંદરા વિસ્તારમાં રહેતા સુરેન્દ્ર શર્માની પત્ની રૂબીએ ખૂબ જ શાતિર રીતે આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. રૂબીએ પતિને રાત્રે ખીરમાં ઊંઘની ગોળીઓ ભેળવીને ખવડાવી દીધી હતી. જેના કારણે સુરેન્દ્રનું મોત નીપજ્યું હતું. હત્યા પછી મહિલાએ પોતાના બાળકો અને સાસુને જેઠના ઘરે મોકલી દીધા હતા. તેણે ઘરની એકાંતનો લાભ લઈને આ આખી ઘટનાને અંજામ આપ્યો હતો.
46 દિવસ સુધી લાશ ઉપર નહાતી હરી હત્યારી પત્ની!
રૂબીની ક્રૂરતાની પરાકાષ્ઠા તો ત્યારે જોવા મળી જ્યારે તેણે 10 ફૂટ લાંબા અને 4.5 ફૂટ પહોળા બાથરૂમના ફ્લોરમાં ખાડો ખોદીને પતિની લાશને મીઠું અને માટી નાખીને દાટી દીધી. તે બાદ રૂબીએ તે બાથરૂમના ફ્લોર પર નવું પ્લાસ્ટર કરાવી દીધું હતું. આશ્ચર્યજનક બાબત એ છે કે રૂબી 46 દિવસ સુધી દરરોજ તે જ બાથરૂમમાં નહાતી હતી. લાશ ઉપર ઊભા રહીને નહાતી હોવા છતાં તેના ચહેરા પર કોઈ પણ પ્રકારનો ડર કે પસ્તાવો દેખાતો ન હતો.
ફિલ્મ દ્રશ્યમમાંથી લીધી પ્રેરણા
પોલીસ પૂછપરછમાં રૂબીએ કબૂલ્યું કે તેણે ફિલ્મ દ્રશ્યમ જોઈ હતી. તેને તે ફિલ્મની સ્ટોરી સારી રીતે યાદ હતી. પોલીસના હાથે ન પકડાવું પડે તે માટે તેણે ફિલ્મની તરકીબ અપનાવી હતી. પતિના ગુમ થયાની ફરિયાદ પણ તેણે પોતે જ પોલીસમાં નોંધાવી હતી જેથી કોઈને શંકા ન થાય. પોલીસ અને પરિવારને તે સતત 46 દિવસ સુધી અંધારામાં રાખતી હતી.

પોલીસ તપાસમાં ખુલાસો
આ ખતરનાક રાજ ત્યારે ખુલ્યું જ્યારે પોલીસ એક જૂના કેસના વેરિફિકેશન માટે રૂબીના ઘરે પહોંચી હતી. પોલીસને જોઈને રૂબી ગભરાઈ ગઈ હતી. તેણે પોતાના જેઠને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા અને ડરના કારણે આખું સત્ય કબૂલી લીધું હતું. જેઠે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે બાથરૂમનો ફ્લોર ખોદાવીને સુરેન્દ્રનું કંકાલ બહાર કાઢ્યું હતું.
પોલીસની વધારાની તપાસ
આ કેસમાં પોલીસને શંકા છે કે લાશને દાટવા અને ફ્લોર તોડવા જેવી ભારે કામગીરીમાં કોઈ અન્યની પણ મદદ લીધી હોઈ શકે છે. પોલીસે રૂબીના મોબાઈલને જપ્ત કરી લીધો છે. પોલીસ તેની કોલ ડિટેલ્સ અને ઈન્ટરનેટ સર્ચ હિસ્ટ્રીની તપાસ કરી રહી છે. મૃતક સુરેન્દ્ર શર્માના કંકાલનું પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી જ આ આખા કેસની કડીઓ વધુ સ્પષ્ટ થશે. પોલીસ હાલ બાળકોની પણ પૂછપરછ કરી રહી છે.

