NATIONAL : ખાનગી કંપનીઓને મિસાઇલ ટેક્નોલોજી હસ્તાંતરિત કરવાની સરકારે આપી મંજૂરી

0
6
meetarticle

ભારતના સંરક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આકાશ, પ્રલય, શૌર્ય, નાગ, હેલિના અને અસ્ત્ર જેવી ખતરનાક મિસાઇલો હવે દેશની ખાનગી (પ્રાઇવેટ) કંપનીઓ દ્વારા બનાવવામાં આવશે. ખુદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ મિસાઇલો બનાવવાની ટેકનોલોજી ખાનગી કંપનીઓને ટ્રાન્સફર (ટેકનોલોજી ટ્રાન્સફર) કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે. સંરક્ષણ મંત્રીના કાર્યાલય દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.સરળ શબ્દોમાં કહીએ તો, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા અત્યાર સુધી બનાવવામાં આવતી તમામ ‘પરંપરાગત મિસાઇલો’ની ડિઝાઇન અને ટેકનોલોજી હવે ભારતીય પ્રાઇવેટ કંપનીઓને સોંપવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયનું માનવું છે કે, દેશના સંરક્ષણ માળખામાં (ડિફેન્સ ઇકોસિસ્ટમ) સ્થાનિક ઉદ્યોગોની ભાગીદારી વધારવા અને વિદેશી આયાત ઘટાડવા માટે આ એક બહુ મોટું સીમાચિહ્ન સાબિત થશે.

અત્યાર સુધી કોણ બનાવતું હતું મિસાઇલો?

તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી ભારતમાં મિસાઇલો બનાવવાની સંપૂર્ણ જવાબદારી જાહેર ક્ષેત્રની કંપનીઓ (સરકારી કંપનીઓ) પર જ હતી. BEL (ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ), BDL (ભારત ડાયનેમિક્સ લિમિટેડ) અને અગાઉ ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ તરીકે ઓળખાતી મ્યુનિશન ઇન્ડિયા લિમિટેડ જેવી કંપનીઓ જ ભારતીય સેના માટે મિસાઇલોનું ઉત્પાદન કરતી હતી. જેમાં આકાશ, અસ્ત્ર, નાગ અને હેલિના જેવી પરંપરાગત મિસાઇલોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બ્રહ્મોસ મિસાઇલ DRDO હેઠળની એક કંપની દ્વારા રશિયાની કંપની સાથે મળીને વિકસાવવામાં આવી છે.

પરમાણુ અને પરંપરાગત: બે પ્રકારની મિસાઇલોનું ગણિત સમજો

સામાન્ય રીતે મિસાઇલો બે પ્રકારની હોય છે: પરંપરાગત અને વ્યૂહાત્મક (પરમાણુ). સરકારે સ્પષ્ટ કર્યું છે કે ‘વ્યૂહાત્મક મિસાઇલો’ (જે પરમાણુ હુમલો કરી શકે તેવી હોય) તે પહેલાની જેમ જ સરકારી કંપનીઓ દ્વારા જ બનાવવામાં આવશે. જ્યારે તમામ ‘પરંપરાગત મિસાઇલો’ હવે પ્રાઇવેટ કંપનીઓ બનાવશે.

થોડા વર્ષો પહેલા પણ સરકારે કેટલીક ખાસ મિસાઇલો અને દારૂગોળો (જેમ કે એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ અને અત્યંત ટૂંકી રેન્જની એર ડિફેન્સ સિસ્ટમ) બનાવવાનું કામ ખાનગી કંપનીઓને સોંપ્યું હતું. પરંતુ હવે ડાયરો મોટો કરીને બધી જ પરંપરાગત મિસાઇલો તેમાં આવરી લેવાઈ છે.

આકાશ: આ જમીન પરથી હવામાં પ્રહાર કરતી (સરફેસ-ટુ-એર) મિસાઇલ છે, જેનો ઉપયોગ આર્મી, નેવી અને એરફોર્સ એમ ત્રણેય સેના કરે છે. ભારત આ મિસાઇલની નિકાસ પણ કરે છે.

અસ્ત્ર (Astra): ફાઇટર એરક્રાફ્ટમાંથી હવામાંથી હવામાં (એર-ટુ-એર) પ્રહાર કરીને દુશ્મનના વિમાન કે હેલિકોપ્ટરને તોડી પાડવા માટે આ મિસાઇલ વપરાય છે.

નાગ અને હેલિના: આ મિસાઇલો ટેન્ક કે હેલિકોપ્ટરમાંથી છોડવામાં આવે છે.

ત્રિશુલ: આ મિસાઇલ યુદ્ધ જહાજો પરથી ફાયર કરવામાં આવે છે.

વ્યૂહાત્મક મિસાઇલો કઈ છે?

જે મિસાઇલોને વ્યૂહાત્મક અથવા પરમાણુ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે તેમાં બ્રહ્મોસ અને અગ્નિ સિરીઝની મિસાઇલો સામેલ છે (બ્રહ્મોસે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનમાં કેવી તબાહી મચાવી હતી તે તો જાણીતું જ છે). અગ્નિ સિરીઝની તમામ મિસાઇલો પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. આ ઉપરાંત પૃથ્વી, પ્રલય, નિર્ભય, શૌર્ય અને પ્રહાર મિસાઇલોને પણ વ્યૂહાત્મક ગણવામાં આવે છે, જે જરૂર પડ્યે પરમાણુ શસ્ત્રો તરીકે વાપરી શકાય છે.

જોકે, કેટલીક મિસાઇલો વિશે હજુ એટલી સ્પષ્ટ માહિતી નથી કે તેને કઈ કેટેગરીમાં રાખવી. જેમ કે ‘રુદ્રમ’ મિસાઇલ, જે દુશ્મનના રડાર અને કોમ્યુનિકેશન સેન્ટરને નષ્ટ કરવા વપરાય છે. તેવી જ રીતે ઇઝરાયલની મદદથી બનેલી બરાક-8 (MRSAM) પણ આ લિસ્ટમાં છે.

આ નિર્ણયથી ભારતને શું ફાયદો થશે?

સરકારે હજુ એ જાહેર નથી કર્યું કે આ કામમાં કઈ ખાનગી કંપનીઓને સામેલ કરવામાં આવશે. પરંતુ સંરક્ષણ મંત્રાલયનો સીધો ટાર્ગેટ એ છે કે મિસાઇલોના ખાનગીકરણથી ભારતીય સેનાની તાકાત વધે અને વિદેશોમાંથી હથિયારો મંગાવવા પરની આપણી નિર્ભરતા ઘટે.

ચીન અને પાકિસ્તાન સાથેના વર્તમાન તણાવને જોતા ભારતે હંમેશા યુદ્ધ માટે સજ્જ રહેવું પડે તેમ છે. સરકારે દારૂગોળાના ઉત્પાદનમાં વધારો કરવા માટે અગાઉ ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડનું પણ સાત અલગ-અલગ કંપનીઓમાં વિભાજન કર્યું હતું. હવે આ નવા પ્રાઇવેટાઇઝેશન દ્વારા સરકાર દેશના ઉદ્યોગોની ક્ષમતાનો લાભ લેવા, ડિફેન્સ સેક્ટરને મજબૂત કરવા અને ભારતીય MSME કંપનીઓને સપ્લાય ચેઇનનો હિસ્સો બનાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here