ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર દેશભરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના નિવાસસ્થાને પહોંચીને ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરી હતી. PM મોદીએ સોશિયલ મીડિયા પર પણ આ મુલાકાતની માહિતી શેર કરી અને ભગવાન ગણેશ પાસે સૌના સુખ અને કલ્યાણની પ્રાર્થના કરી.
પીયૂષ ગોયલના ઘરે ગણપતિ પૂજામાં પહોંચ્યા PM મોદી
PM મોદીએ જણાવ્યું કે તેઓ પીયૂષ ગોયલના ઘરે ગણપતિ બાપ્પાના દર્શન માટે પહોંચ્યા હતા. તેમણે ભગવાન ગણેશ સૌને આશીર્વાદ આપે તેવી પ્રાર્થના કરી હતી. ગણેશ ચતુર્થી નિમિત્તે PM મોદીની આ મુલાકાતે પર્વના આધ્યાત્મિક અને સામાજિક મહત્વને વધુ ઉજાગર કર્યું છે.

ઉપરાષ્ટ્રપતિએ પણ કરી પૂજા
ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનએ પણ ગણેશ ચતુર્થી નિમિત્તે ભગવાન ગણેશના દર્શન કર્યા હતા. તેઓ સૌપ્રથમ મહારાષ્ટ્ર સદન પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગણપતિ બાપ્પાના દર્શન કર્યા. ત્યારબાદ તેઓ પીયૂષ ગોયલના નિવાસસ્થાને પહોંચ્યા અને ગણપતિની પૂજા કરી.તેમણે ગણેશ ચતુર્થીને આસ્થા અને ઉત્સાહથી ભરેલો પર્વ ગણાવ્યો અને ભગવાન ગણેશ પાસે સૌ માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી.
લાલબાગચા રાજાના દર્શને પહોંચ્યા ગૃહમંત્રી
ગૃહમંત્રી અમિતભાઈ શાહે મુંબઈના પ્રસિદ્ધ લાલબાગચા રાજાના પણ દર્શન કર્યા હતા. તેમણે બાપ્પાની પૂજા કરી અને દેશવાસીઓના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ દરમિયાન તેમણે ‘ગણપતિ બાપ્પા મોરયા’ના જયઘોષ પણ કર્યા હતા.ગણેશ ચતુર્થી નિમિત્તે મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ભવ્ય ગણપતિ પંડાલો સજાવવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાપ્પાના દર્શન માટે પહોંચી રહ્યા છે.
