NATIONAL : છત્તીસગઢ પાવર પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ: 19 શ્રમિકોના મોતથી સર્જાયો હાહાકાર

0
23
meetarticle

છત્તીસગઢના શક્તિ જિલ્લોમાં આવેલા વેદાંત લિમિટેડના પાવર પ્લાન્ટમાં થયેલા ભયાનક વિસ્ફોટે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવ્યો છે. ગઈકાલે બોયલર ફાટતા જોરદાર ધડાકો થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 શ્રમિકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે મૃત્યુઆંક હજી પણ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માતમાં 35થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી, પરંતુ વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે જાનહાનિ ટાળવી મુશ્કેલ બની હતી.

મૃતકોના પરિજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ બહાર એકત્રિત થયા
આ દુર્ઘટના બાદ રાયગઢ સહિત આસપાસની હોસ્પિટલોમાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા છે. રાયગઢ મેડિકલ કોલેજમાં 11 અને જિલ્લા હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 5 મૃતદેહો લાવવામાં આવ્યા છે. મૃતકોના પરિજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ બહાર એકત્રિત થયા છે, જ્યાં શોક અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાંબી કતારો પણ જોવા મળી રહી છે. દુર્ઘટનાની ગંભીરતા વચ્ચે કંપનીએ મૃતકના પરિવારોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. Vedanta Limited દ્વારા દરેક મૃતકના પરિવારને 35-35 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે, જ્યારે ઈજાગ્રસ્તોની સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ કંપની ઉઠાવશે. આ જાહેરાત છતાં પરિજનોમાં રોષ યથાવત છે અને તેઓ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી રહ્યા છે.

હોસ્પિટલ આસપાસ તહેનાત કરવામાં આવી
ઘટનાને પગલે પોલીસ અને વહીવટીતંત્ર તાત્કાલિક સક્રિય બન્યું છે. રાયગઢ અને શક્તિ જિલ્લાની પોલીસ ટીમો પ્લાન્ટ અને હોસ્પિટલ આસપાસ તહેનાત કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. વહીવટીતંત્ર દ્વારા અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. બોયલર વિસ્ફોટ પાછળ ટેકનિકલ ખામી હતી કે સુરક્ષા નિયમોમાં બેદરકારી, તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ પીડિત પરિવારોને તમામ શક્ય સહાય પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક સુરક્ષા વ્યવસ્થાઓ પર સવાલો ઉભા કર્યા છે. નિષ્ણાતો માને છે કે આવી ઘટનાઓ અટકાવવા માટે કડક સુરક્ષા માપદંડો અને નિયમિત તપાસ અનિવાર્ય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here