સવાર પડતાં જ જ્યારે લોકો ઘરની બહાર નીકળે છે ત્યારે તેમને તાજી હવાને બદલે ઝેરી હવામાં શ્વાસ લેવાની ફરજ પડી રહી છે. દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ ફરી એકવાર ગંભીર ચિંતાનો વિષય બન્યું છે. સ્થિતિ એવી છે કે હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધતાં લોકો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની રહ્યો છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પણ હવે કડક વલણ અપનાવ્યું છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના જણાવ્યા અનુસાર, દિલ્હીના કનોટ પ્લેસની આસપાસના વિસ્તારમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 326 નોંધાયો છે. આ આંકડો ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં આવે છે. શહેરના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ હવાની ગુણવત્તા ‘ખૂબ જ ખરાબ’થી લઈને ‘ગંભીર’ શ્રેણીમાં નોંધાઈ છે. દિલ્હીમાં સરેરાશ AQI પણ 300થી ઉપર રહ્યો છે. જેના કારણે ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વાસની તકલીફ ધરાવતા લોકો માટે મુશ્કેલી વધી શકે છે.
વાહનોમાંથી નીકળતો ધુમાડો અને પરાળી બાળવાથી ફેલાતો ધુમાડો
દિલ્હીમાં વધતા પ્રદૂષણ પાછળ વાહનોમાંથી નીકળતો ધુમાડો અને પરાળી બાળવાથી ફેલાતો ધુમાડો મુખ્ય કારણો માનવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત હવામાનની સ્થિતિ પણ પ્રદૂષણને વધારવામાં ભૂમિકા ભજવી રહી છે. પ્રદૂષિત હવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાવાને બદલે વાતાવરણમાં જ અટવાઈ રહેતાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.
ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી
પ્રદૂષણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે. બહાર નીકળતી વખતે માસ્ક પહેરવા, બાળકો અને વૃદ્ધોને પ્રદૂષિત હવાના સંપર્કથી દૂર રાખવા અને શક્ય હોય ત્યાં સુધી ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત, દિલ્હીમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) હેઠળના કડક નિયમો પણ અમલમાં છે.

191 પ્રદૂષક ઉદ્યોગો બંધ કરવાનો કેન્દ્રનો આદેશ
દિલ્હી-NCRમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને લઈને કેન્દ્ર સરકારે પણ કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે શનિવારે 24 કલાકની અંદર 191 પ્રદૂષક ઉદ્યોગો બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ એવા ઉદ્યોગો છે, જેમને પ્રદૂષણ રોકવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હોવા છતાં તેમણે જરૂરી પ્રદૂષણ વિરોધી ઉપકરણો લગાવ્યાં નથી. એટલું જ નહીં, કેટલાક ઉદ્યોગોએ આ ઉપકરણો લગાવવા માટે કામનો આદેશ પણ આપ્યો નથી. સરકારના આ નિર્ણયથી પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી થવાના સંકેત મળ્યા છે.
ગુજરાતમાં પણ હવાની ગુણવત્તા ચિંતાનો વિષય
દિલ્હી-NCRની સાથે ગુજરાતના કેટલાક શહેરોમાં પણ હવાની ગુણવત્તા ચિંતાનો વિષય બની રહી છે. 15 નવેમ્બરના ઉપલબ્ધ AQI આંકડા મુજબ, વડોદરામાં AQI 185 નોંધાયો હતો, જ્યારે અમદાવાદમાં 219, સુરતમાં 209 અને વાપીમાં 240નો આંકડો નોંધાયો હતો. આ ઉપરાંત વલસાડમાં 231 અને દમણમાં 245 AQI નોંધાયો હતો. ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં હવાની ગુણવત્તા પર નજર રાખવાની જરૂરિયાત વધી રહી છે.

