NATIONAL : દેશમાં લોકડાઉન નહીં લાગે : પીએમ મોદીની મુખ્યમંત્રીઓને હૈયાધારણ

0
15
meetarticle

મધ્ય-પૂર્વમાં યુદ્ધ અને ઈરાન દ્વારા હોર્મુઝની ખાડીની નાકાબંધીના કારણે સર્જાયેલી વૈશ્વિક કટોકટીના પગલે દુનિયાના અન્ય દેશોની જેમ ભારતમાં પણ ‘લોકડાઉન’ અંગે લોકો સોશિયલ મીડિયા પર ડર વ્યક્ત કરી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મુખ્યમંત્રીઓ સાથે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં લોકડાઉનની આશંકાઓને નકારી કાઢી છે. જોકે, વર્તમાન કટોકટી પર સતત નજર રાખવા માટે કેન્દ્ર સરકારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં મંત્રીઓના જૂથની રચના કરી છે.

મધ્ય-પૂર્વમાં ચાલતા યુદ્ધ અને તેના કારણે સર્જાયેલી વૈશ્વિક કટોકટીની સમીક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી. આ બેઠકનો આશય સ્પષ્ટ હતો કે દુનિયામાં ગમે તેટલી ઉથલ-પાથલ મચી હોય પરંતુ ભારતમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને જરૂરી વસ્તુઓનો સપ્લાય રોકાવો જોઈએ નહીં. પીએમ મોદીએ થોડા દિવસ પહેલાં ચેતવણી આપી હતી કે મધ્ય-પૂર્વનું સંકટ લાંબો સમય ચાલી શકે છે. આ સમસ્યાના સામના માટે કેન્દ્ર સરકાર શક્ય તમામ પગલાં લઈ રહી છે, પરંતુ જમીની સ્તર પર તેને સફળ બનાવવાની જવાબદારી રાજ્યો પર છે.

મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પણ પીએમ મોદીએ વર્તમાન કટોકટીની સરખામણી છ વર્ષ પહેલા આવેલી કોરોના મહામારીની કટોકટી સાથે કરી હતી. જોકે, તેમણે મુખ્યમંત્રીઓને સ્પષ્ટ જણાવ્યું હતું કે, કોરોના મહામારીની જેમ આ વખતે દેશમાં લોકડાઉન નહીં લાગે. તેમણે રાજ્યોને ટીમ ઈન્ડિયા તરીકે કામ કરવા હાકલ કરી હતી. વર્તમાન કટોકટીની સતત સમીક્ષા માટે કેન્દ્ર સરકારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં મંત્રીઓના જૂથની રચના કરી છે. આ જૂથના એક સભ્ય તરીકે અમિત શાહનો પણ સમાવેશ કરાયો છે. દરમિયાન દેશમાં એલપીજી સિલિન્ડરનો સપ્લાય આંશિક રીતે નિયમિત થતાં કેન્દ્ર સરકારે કમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય યુદ્ધ પહેલાંના સમયના ૭૦ ટકા જેટલો કર્યો છે, જેથી હોટેલ-રેસ્ટોરાં સહિત ઉદ્યોગોને આંશિક રાહત મળી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here