પ્રયાગરાજમાં રામ વનગમન પથ પ્રોજેક્ટ હેઠળ બની રહેલો રોડ અને બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાનો મામલો સામે આવ્યો છે. નવાબગંજના શ્રૃંગવેરપુર ધામ નજીક લગભગ 100 મીટરના વિસ્તારમાં રસ્તો અનેક જગ્યાએથી ઉખડી ગયો છે. આ સિવાય રસ્તાની કિનારે બનેલી બોર્ડર પણ તૂટી ગઈ છે અને બ્રિજના અનેક ભાગોમાં મોટી-મોટી તિરાડો દેખાઈ રહી છે. રોડ અને બ્રિજની આ બગડેલી હાલતના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હવે તંત્ર દ્વારા તાબડતોબ રિપેરિંગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
₹4400 કરોડનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ
અયોધ્યાથી ચિત્રકૂટ સુધી લગભગ 210 કિલોમીટર લાંબો ‘રામ વનગમન પથ’ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર સરકાર આશરે ₹4400 કરોડનો ખર્ચ કરી રહી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ભગવાન રામના વનવાસ સાથે જોડાયેલા મહત્ત્વના ધાર્મિક સ્થળોને રોડ માર્ગે જોડવાનો અને શ્રદ્ધાળુઓની અવરજવર સરળ બનાવવાનો છે. આ યોજના હેઠળ જ પ્રયાગરાજના શ્રૃંગવેરપુર ધામમાં પણ રોડ અને બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ બાંધકામ દરમિયાન જ રોડ પર તિરાડો પડતા કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
રસ્તા પર ભયાનક તિરાડો અને મોટા વાહનો પર પ્રતિબંધ
ઘટનાસ્થળે તપાસ કરતાં રસ્તાના અનેક ભાગોમાં મોટી તિરાડો પડેલી જોવા મળી છે. કેટલાક સ્થળોએ રસ્તો નીચે બેસી ગયો છે, જ્યારે બ્રિજનો મોટો ભાગ પણ ખરાબ થઈ ગયો છે. હાલમાં સ્થિતિને જોતાં આ રસ્તા પરથી મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને માત્ર ટુ-વ્હીલર જ પસાર થઈ રહ્યા છે. કરોડોના ખર્ચે બની રહેલા પ્રોજેક્ટમાં કામગીરી દરમિયાન જ આવી ખામીઓ સામે આવતા સ્થાનિક લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે.

નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યનું નિવેદન
રામ વનગમન પથનો રસ્તો ધસી જવા અંગે જ્યારે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેમણે જણાવ્યું હતું કે અત્યારે વરસાદની સીઝન છે અને જો રસ્તો ધસી ગયો છે તો તેને ફરી બનાવી દેવામાં આવશે. બીજી તરફ, જિલ્લા મેજિસ્ટ્રેટ(DM) સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું છે કે હજુ સુધી આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થયું નથી કે બ્રિજને સત્તાવાર રીતે હેન્ડઓવર કરવામાં આવ્યો નથી. તેથી હેન્ડઓવર પહેલા જ ક્ષતિગ્રસ્ત ભાગનું સમારકામ કરાવવામાં આવી રહ્યું છે.
એન્જિનિયરે વરસાદને જવાબદાર ગણાવ્યો
કંસ્ટ્રક્શન કંપનીના એન્જિનિયર રશીદ ખાને રોડ અને બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાનું કારણ વિસ્તારમાં થયેલો ભારે વરસાદ ગણાવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, વધુ પડતાં વરસાદને કારણે કેટલાક સ્લેબ દબાઈ ગયા છે જેને ટૂંક સમયમાં જ ઠીક કરી લેવામાં આવશે. જોકે, સ્થાનિક લોકો આ મામલાને બાંધકામની હલકી ગુણવત્તા સાથે જોડી રહ્યા છે અને ભવિષ્યમાં તેની મજબૂતી સામે પણ શંકા વ્યક્ત કરી રહ્યા છે.

