NATIONAL : વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલ પર 100 કિમીની ઝડપે દોડી વંદે ભારત! એફિલ ટાવર કરતાં 35 મીટર ઊંચો ચેનાબ બ્રિજ

0
3
meetarticle

 જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ ચેનાબ બ્રિજ પરથી વંદે ભારત એક્સપ્રેસ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી હતી. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ઐતિહાસિક ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કર્યો હતો. 1,178 ફૂટની ઊંચાઈ પર બનેલો ચેનાબ બ્રિજ એફિલ ટાવર કરતાં પણ 35 મીટર ઊંચો છે.

કટરા-બનિહાલ સેક્શનમાં વધારી ટ્રેનની ઝડપ
ટ્રાયલ બાદ 111 કિમી લાંબા વૈષ્ણોદેવી કટરા-બનિહાલ સેક્શન પર ટ્રેનોની મહત્તમ ઝડપ 75 કિમી પ્રતિ કલાકથી વધારીને 100 કિમી પ્રતિ કલાક કરવામાં આવી છે. વંદે ભારત એક્સપ્રેસે ચેનાબ બ્રિજ ઉપરાંત ભારતના પ્રથમ કેબલ-સ્ટેડ રેલ્વે બ્રિજ અંજી બ્રિજને પણ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પાર કર્યો હતો. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોસ્ટમાં કહ્યું કે, “વંદે ભારત એક્સપ્રેસે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આનાથી USBRL પ્રોજેક્ટ પર ટ્રેન સંચાલન સરળ બનશે.” તેમણે વધુમાં જણાવ્યું કે આથી મુસાફરીનો સમય ઘટશે અને મુસાફરોને ઝડપી, સલામત તથા આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે.

એફિલ ટાવર કરતાં 35 મીટર ઊંચો ચેનાબ બ્રિજ
ચેનાબ રેલ્વે બ્રિજ નદીના પટથી 359 મીટર ઊંચો અને 1,315 મીટર લાંબો છે. તેની ઊંચાઈ ફ્રાન્સના 330 મીટર ઊંચા એફિલ ટાવર કરતાં 35 મીટર વધારે છે. આ કારણે તેને વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. આ પુલને ભૂકંપ, પૂર, ભારે હિમવર્ષા અને વિસ્ફોટ જેવા જોખમોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. ચેનાબ બ્રિજ ભૂકંપ ઝોન-4માં આવેલો છે, પરંતુ તેને ભૂકંપ ઝોન-5 માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. પુલને રિક્ટર સ્કેલ પર 8ની તીવ્રતાના ભૂકંપનો સામનો કરી શકે તે રીતે તૈયાર કરવામાં આવ્યો છે અને તેની આયુષ્ય 120 વર્ષ રાખવામાં આવી છે.

જમ્મુ-શ્રીનગર વંદે ભારત ક્યારે શરૂ થઈ?
વંદે ભારત એક્સપ્રેસની જમ્મુ અને શ્રીનગર વચ્ચે નિયમિત સેવા 2 મેના રોજ શરૂ થઈ હતી. જૂન 2025માં કાશ્મીર રેલ લિંક પૂર્ણ થયા બાદ ટ્રેન શરૂઆતમાં કટરા અને શ્રીનગર વચ્ચે દોડતી હતી. ત્યારબાદ એપ્રિલ 2026માં તેને જમ્મુ તાવી સુધી લંબાવવામાં આવી હતી. આ સાથે ટ્રેનના કોચની સંખ્યા પણ 8થી વધારીને 20 કરવામાં આવી હતી. કટરા-બનિહાલ સેક્શન 272 કિમી લાંબા ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL)નો એક ભાગ છે. સમગ્ર USBRL લિંક જૂન 2025માં કાર્યરત થઈ હતી. રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ સુધીમાં રેલ્વે નેટવર્કના લગભગ 81 ટકા હિસ્સાને 110 કિમી પ્રતિ કલાક અથવા તેનાથી વધુ ઝડપ માટે અપગ્રેડ કરવામાં આવ્યો હતો. 2014માં આ આંકડો લગભગ 40 ટકા હતો.

અંજી બ્રિજ પણ 100 કિમીની ઝડપે પાર કર્યો
વંદે ભારત એક્સપ્રેસે ભારતના પ્રથમ કેબલ-સ્ટેડ રેલ્વે બ્રિજ અંજી બ્રિજને પણ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પાર કર્યો હતો. અંજી નદીની ખીણ પર બનેલો આ પુલ કટરા અને બનિહાલ વચ્ચે આવેલો છે. અંજી બ્રિજની કુલ લંબાઈ 725.5 મીટર છે, જેમાં 472.25 મીટર ભાગ કેબલથી સપોર્ટેડ છે. તેનો મધ્ય ટાવર નદીના પટથી 331 મીટર ઊંચો છે. આ રૂટ પર 12.77 કિમી લાંબી દેશની સૌથી લાંબી ઓપરેશનલ ટ્રાન્સપોર્ટેશન ટનલ પણ આવેલી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here