કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા તમિલનાડુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે કરવામાં આવેલી ટિપ્પણીથી રાજકીય ગરમાવો વધી ગયો છે. ખડગેએ કથિત રીતે PM મોદીને ‘આતંકવાદી’ કહ્યા હતા, જેને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) એ આકરો વિરોધ નોંધાવીને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી લઈને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધીના નેતાઓએ આ નિવેદનને લોકશાહી અને 1.4 અબજ દેશવાસીઓનું અપમાન ગણાવ્યું છે. ભારે હોબાળા બાદ ખડગેએ પણ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરવી પડી છે. ચાલો જાણીએ આ આખા વિવાદમાં કોણે શું પ્રતિક્રિયા આપી છે.

યોગી આદિત્યનાથે આપ્યો આકરો જવાબ
UP ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “દેશના લોકપ્રિય અને લોકશાહી રીતે ચૂંટાયેલા વડાપ્રધાન વિશે આવી બિનસંસદીય ટિપ્પણી કરવી એ અક્ષમ્ય, નિંદનીય અને ભારતીય લોકશાહીનું ઘોર અપમાન છે. આ નિવેદન કોંગ્રેસની હતાશા, નિરાશા અને માનસિક નાદારી દર્શાવે છે.” તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન સામેના આવા શબ્દો એ 1.45 અબજ દેશવાસીઓનું અપમાન છે અને કોંગ્રેસે આ માટે જાહેરમાં માફી માંગવી જોઈએ.
“કોંગ્રેસ વિકાસના મુદ્દે ઘેરાઈ છે ત્યારે આવા નિવેદનો કરે છે”
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નીતિન નવીને કહ્યું કે જ્યારે પણ કોંગ્રેસ વિકાસ અને તથ્યોના મુદ્દે ઘેરાય છે, ત્યારે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને તેમના શિષ્યો મુદ્દા પરથી ધ્યાન હટાવવા આવા હલકા નિવેદનો કરે છે. તો બીજી તરફ, ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ તો કોંગ્રેસને ‘ટુકડે-ટુકડે ગેંગ’ અને ‘અર્બન નક્સલ’ વિચારધારા ધરાવતી પાર્ટી ગણાવી દીધી. તેમણે કહ્યું કે કોંગ્રેસ હવે માનસિક રીતે નાદાર થઈ ગઈ છે.
ખડગેએ ખરેખર શું કહ્યું હતું?
તમિલનાડુમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ AIADMK પાર્ટી પર નિશાન સાધતા કહ્યું હતું કે, “અન્નાદુરાઈનો ફોટો લગાવનારા AIADMK ના સભ્યો મોદીને કેવી રીતે ટેકો આપી શકે? તે આતંકવાદી છે. તેમની પાર્ટી સમાનતા અને ન્યાયમાં નથી માનતી. આ લોકો તેમની સાથે જોડાઈને લોકશાહીને નબળી પાડી રહ્યા છે.”
વિવાદ વધતા ખડગેએ આપી સ્પષ્ટતા
ભાજપના ભારે વિરોધ અને હોબાળા બાદ મલ્લિકાર્જુન ખડગેએ પોતાના નિવેદન પર બચાવ કરતા સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે, “મેં ક્યારેય એવું નથી કહ્યું કે પીએમ મોદી આતંકવાદી છે. મારા કહેવાનો મતલબ એ હતો કે મોદી હંમેશા લોકોને અને રાજકીય પક્ષોને ધમકાવે છે અને ડરાવે છે. ED, IT અને CBI જેવી તપાસ એજન્સીઓ તેમના કંટ્રોલમાં છે.”

