IPL 2026 માં ગુરુવારે રમાયેલા હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ગુજરાત ટાઈટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 4 વિકેટે પરાજય આપ્યો છે. 155 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાતે માત્ર 15.5 ઓવરમાં જ જીત હાંસલ કરી લીધી હતી. આ મેચમાં વિરાટ કોહલીનું આક્રમક વલણ અને જેસન હોલ્ડરનો વિવાદાસ્પદ કેચ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા.
કોહલીનું સેલિબ્રેશન વાઈરલ
મેચની સૌથી ચર્ચિત ક્ષણ પાંચમી ઓવરમાં જોવા મળી હતી. શુભમન ગિલ શાનદાર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે વિરાટ કોહલીએ તેનો શાનદાર કેચ ઝડપ્યો હતો. કેચ પકડ્યા બાદ કોહલીએ ગિલને ‘ડેથ સ્ટેયર’ આપીને બોલ જમીન પર પછાડ્યો હતો. કોહલીના આ આક્રમક અંદાજથી મેચનું વાતાવરણ ગરમાયું હતું, પરંતુ ગિલ અને જોસ બટલરની ઇનિંગ્સના જોરે ગુજરાતે મેચ પર પકડ મજબૂત રાખી હતી.જોકે ગુજરાત ટાઈટન્સના ફેન્સને કોહલીનો આ અંદાજ ગમ્યો નહોતો. સોશિયલ મીડિયામાં કોહલીને ટ્રોલ કરવામાં આવ્યો હતો.

RCBનો ધબડકો અને રબાડાનો પલટવાર
પ્રથમ બેટિંગ કરતા આરસીબીની શરૂઆત તોફાની રહી હતી. કોહલીએ રબાડાની એક જ ઓવરમાં 5 ચોગ્ગા ફટકારી 13 બોલમાં 28 રન બનાવ્યા હતા. જોકે, ગિલનો રબાડા પરનો ભરોસો કામ કરી ગયો અને રબાડાએ કોહલીને આઉટ કરીને મેચ પલટી નાખી. આરસીબીનો સ્કોર 7 ઓવરમાં 71/2 હતો જે મિડલ ઓર્ડર તૂટતા 10.3 ઓવરમાં 96/6 થઈ ગયો. દેવદત્ત પડિક્કલે 40 રન બનાવી ટીમનો સ્કોર 155 સુધી પહોંચાડ્યો હતો.
જેસન હોલ્ડર બન્યો ‘પ્લેયર ઓફ ધ મેચ’
ગુજરાતની જીતમાં જેસન હોલ્ડર એક્સ-ફેક્ટર સાબિત થયો. તેણે બોલિંગમાં 2 વિકેટ ઝડપી અને ફિલ્ડિંગમાં 3 શાનદાર કેચ પકડ્યા. જોકે, રજત પાટીદારનો કેચ પકડતી વખતે મોટો વિવાદ થયો હતો, જેમાં કોહલી અમ્પાયરના નિર્ણયથી નારાજ જોવા મળ્યો હતો. ગુજરાત તરફથી અર્શદ ખાને 3 અને રાશિદ ખાને 2 વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર કુમારે 3 વિકેટ લીધી હોવા છતાં આરસીબીને જીત અપાવી શક્યો નહીં. આ જીત સાથે ગુજરાત ટાઈટન્સે 9 મેચમાં પાંચમી જીત નોંધાવી છે.

