ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નું પ્રદર્શન ખરાબ ચાલી રહ્યું છે. 17 એપ્રિલના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઈટન્સ (GT)એ કોલકાતા નાઈટ રાઈડર્સને 5 વિકેટથી હરાવ્યું હતું. આ વર્તમાન IPL સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સની આ પાંચમી હાર રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ હજુ સુધી એક પણ મેચ જીતી શક્યું નથી. પંજાબ કિંગ્સ (PBKS) સામેની તેમની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, જેના કારણે તેના ખાતામાં ફક્ત 1 પોઈન્ટ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ પોઈન્ટ ટેબલમાં 10મા અને છેલ્લા સ્થાન પર છે.

અજિંક્ય રહાણેનું દર્દ છલકાયું
ગુજરાત ટાઈટન્સ સામે હાર બાદ કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેનું દર્દ છલકાયું છે. રહાણેનું માનવું છે કે દરેક નાની ભૂલ પણ ભારે પડી રહી છે, અને ખેલાડીઓએ એક ટીમ તરીકે વિશ્વાસ રાખવો પડશે. રહાણેનું પોતાનું પ્રદર્શન આ મેચમાં નિરાશાજનક રહ્યું હતું અને તે ખાતું પણ નહોતો ખોલી શક્યો.અજિંક્ય રહાણેએ કહ્યું કે, ‘હાર પછી મેચ વિશે વાત કરવી ક્યારેય સરળ નથી હોતી, પરંતુ હું સકારાત્મક પાસાઓ પર વાત કરવા માગુ છું. અમે શરૂઆતમાં બે કે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી કેમેરોન ગ્રીને જે રીતે બેટિંગ કરી તે શાનદાર હતી. 147 રન પર 4 વિકેટ અને ત્યાંથી 180 રન સુધી પહોંચવું બેટિંગની દ્રષ્ટિએ થોડું મુશ્કેલ હતું.’
રહાણેએ બોલરોની પ્રશંસા કરી
રહાણેએ આગળ કહ્યું કે, ‘હું અમારા બોલરોને શ્રેય આપવા માંગુ છું. તેમણે જે રીતે બોલિંગ કરી અને મેચને છેલ્લી ઓવર સુધી લઈ ગયા તે પ્રશંસનીય હતું. શુભમન ગિલે ખૂબ જ સારી બેટિંગ કરી. થોડી ઝાકળ પણ હતી, પરંતુ અમે કોઈ બહાનું બનાવવા નથી માગતા. સાઈ સુદર્શન અને શુભમન ગિલ બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું.’
KKRના કેપ્ટને આગળ કહ્યું કે, અમારી ત્રણ મેચ ખૂબ જ નજીકની રહી છે. કેમેરોન ગ્રીન ક્રેમ્પ્સથી પીડાઈ રહ્યો છે, જેના કારણે તે વારંવાર મેદાનથી બહાર જઈ રહ્યો હતો અને આ જ કારણોસર તેણે બોલિંગ પણ નહોતી કરી. મને લાગે છે કે સૌથી મહત્વની બાબત એ છે કે વર્તમાન ક્ષણમાં જળવાઈ રહેવું. જ્યારે વસ્તુઓ તમારા પક્ષમાં ન જાય, ત્યારે તમે વધુ પડતું વિચારવા લાગો છો. પરંતુ આપણે એવી બાબતો પર વધુ ન વિચારવું જોઈએ જે આપણા નિયંત્રણમાં જ નથી.’
રહાણેએ કહ્યું કે, એક ટીમ તરીકે આપણે ખુદ પર વિશ્વાસ રાખવો પડશે. આપણે મેદાનમાં જઈને રમતનો આનંદ માણવો પડશે અને આપણી રમત પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ જ અમારો પ્રયાસ હતો કે, શરૂઆતથી જ સકારાત્મક અને આક્રમક પ્રદર્શન કરીએ. અમે પહેલા બોલથી જ સકારાત્મક માનસિકતા સાથે રમવા માંગતા હતા અને કોઈપણ દબાણ વિના સ્વાભાવિક રમત રમવા માગતા હતા.

