ગોરવા વિસ્તારમાં રહેતા બે મિત્રો ગઇ કાલે એસી રિપેર કરવા નીકળ્યા બાદ અંકોડિયા કેનાલ પાસેથી ભેદી રીતે ગૂમ થતાં બંનેની શોધખોળ કરવામાં આવી હતી.જે પૈકી એક સગીરનો કેનાલમાંથી મૃતદેહ મળી આવતાં પરિવારજનો આઘાત જનક સ્થિતિમાં મુકાઇ ગયા છે.

બનાવની વિગતો મુજબ,ગોરવા વિસ્તારના અણમોલ પાર્કમાં રહેતો ૧૭ વર્ષીય જય પાટીલ કેટલાક સમયથી વિશ્વાસ નામના મિત્રની સાથે એસી રિપેરિંગનું કામ કરવા જતો હતો.
ગઇકાલે બંને મિત્રો સ્કૂટર પર નીકળ્યા બાદ તેમનો પત્તો નહિ મળતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી.જે દરમિયાન અંકોડિયા કેનાલ પાસેથી સ્કૂટર તેમજ વિશ્વાસના બે મોબાઇલ મળી આવતાં પરિવારજનો ગભરાયા હતા.પોલીસને જાણ કરાતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
જે દરમિયાન જયનો મૃતદેહ મળી આવ્યો હતો.જ્યારે વિશ્વાસનો હજી કોઇ પત્તો લાગ્યો નથી.જેથી ફાયર બ્રિગેડ તેમજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.લક્ષ્મીપુરાના પીઆઇ ગાયત્રી રાજપૂતે કહ્યું હતું કે,અમે બંનેના મોબાઇલના ડેટા અને સીસીટીવી ફૂટેજ મારફતે બનાવ કેવી રીતે બન્યો છે તે જાણવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ.
